Site icon hindi.revoi.in

આજે સંઘના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા હો.વે. શેષાદ્રિ જીની પુણ્યતિથિ, વાંચો એમના જીવન વિશે

Social Share

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સાહિત્ય દરેક ભાષામાં વિપુલ માત્રામાં નિર્માણ પામી રહ્યું છે, પરંતુ આ કાર્યના પ્રારંભમાં જે કાર્યકર્તાઓની ભૂમિકા વિશેષ અને પ્રમુખ રહી છે, તેમાં હો.વે. શેષાદ્રિ જી (શ્રી હોંગસન્દ્ર વેંકટરમૈયા શેષાદ્રિ) નામ ટોચ પર છે.

કર્તવ્યનિષ્ઠ પ્રચારક તરીકે RSS ને જીવન સમર્પિત કર્યું

વર્ષ 1926ના 26 મે ના રોજ બેંગ્લોરમાં જન્મેલા શેષાદ્રિ જી વર્ષ 1943માં સ્વયંસેવક બન્યા હતા. વર્ષ 1946માં મૈસૂર વિશ્વ વિદ્યાલયમાંથી રસાયણ શાસ્ત્રમાં પ્રથમ શ્રેણીમાં સ્વર્ણ પદક હાંસલ કરીને તેમણે આગળ એમ.એસ.સી કર્યું અને ત્યારબાદ એક કર્તવ્યનિષ્ઠ પ્રચારક તરીકે તેમનું જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમર્પિત કર્યું હતું.

પ્રચારક અને સંઘના સરકાર્યવાહની વિશેષ ભૂમિકા નિભાવી

પ્રચારક તરીકે પ્રારંભમાં તેમનું કાર્યક્ષેત્ર મેંગ્લોર વિભાગ, બાદમાં કર્ણાટક પ્રાંત અને પછી સંપૂર્ણ દક્ષિણ ભારત રહ્યું હતું. વર્ષ 1986 સુધી તેઓ દક્ષિણ ભાગમાં જ સક્રિય રહ્યા. તેઓ શ્રી યાદવરાવ જોશીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. વર્ષ 1987 થી 2000 સુધી તેઓએ સંઘના સરકાર્યવાહ તરીકેની ભૂમિકા નિભાવી હતી. સંઘના સરકાર્યવાહ તરીકે તેમણે સંપૂર્ણ ભારત તેમજ વિશ્વના કેટલાક દેશોમાં પ્રવાસ કર્યો હતો.

અનેક સાપ્તાહિક તેમજ માસિકમાં લેખોથી વાચકો સુધી પહોંચ્યા

કાર્યની વ્યસ્તતા છત્તાં તેઓ લેખન માટે સમય ફાળવતા હતા. તેઓ દક્ષિણના વિક્રમ સાપ્તાહિક, ઉત્થાન માસિક, દિલ્હીના પાંચજન્ય તેમજ આર્ગનાઇઝર સાપ્તાહિક તથા લખનૌના રાષ્ટ્રધર્મ માસિક માટે લેખો લખતા હતા. તેમના દરેક લેખોની વાચકો ઉત્સુકતા સાથે પ્રતિક્ષા કરતા હતા. તેમણે સંઘ તેમજ અન્ય હિંદુ સાહિત્યના પ્રકાશન માટે યાદવરાવના નિર્દેશન હેઠળ બેંગ્લોરમાં ‘રાષ્ટ્રોત્થાન પરિષદ’ની સ્થાપના કરી. સેવાકાર્યોના વિસ્તરણ તેમજ સંસ્કૃતના ઉત્થાન માટે પણ તેઓએ સઘન કાર્ય કર્યું હતું.

સર્વપ્રથમ દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજીના સંબોધનોને પુસ્તક રૂપે સંકલિત કર્યા

શેષાદ્રિજી એ આમ તો 100થી વધુ નાના-મોટા પુસ્તકો લખ્યા છે પરંતુ તેઓએ જ સર્વપ્રથમ દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજીના સંબોધનોને ‘બંચ ઑફ થોટ્સ’ ના રૂપમાં સંકલિત કર્યા. આજે પણ દર વર્ષે તેના સંસ્કરણો છપાય છે. આ ઉપરાંત તેઓની કૃતિ તરીકે સંઘ દર્શન, યુગાવતાર, દેશ બંટ ગયા, નાન્ય:પન્થા, મૂલ્યાંકન, દ વે, હિન્દૂઝ અબ્રોડ ડાઇલેમા, ઉજાલે કી ઓર પણ તેમની મહત્વપૂર્ણ કૃતિઓ છે. આ દરેક કૃતિઓનું અનેક ભાષામાં ભાષાનુવાદ થયેલું છે. ‘તોરબેરલુ’ ને વર્ષ 1982માં કન્નડ સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યું હતું.

અદ્દભુત સંબોધન શૈલીથી શ્રોતાઓના માનસ સુધી પહોંચ્યા

શેષાદ્રિ જીની સંબોધન શૈલી પણ અદ્દભુત હતી. તેઓ સરળ અને રોચક દ્રષ્ટાંતો સાથે પોતાની વાતોને શ્રોતાઓના મનમાં ઉતારતા હતા. વર્ષ 1984માં અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાયેલા વિશ્વ હિંદુ સંમેલન તેમજ બ્રિટનના બ્રેડફોર્ડમાં આયોજીત હિંદુ સંગમમાં તેઓને વિશેષ રીતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના સંબોધનોથી ત્યાંના શ્રોતાઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

નિષ્ઠા સાથે સહ સરકાર્યવાહ તરીકે કાર્યરત રહ્યા

આ દરમિયાન અનેક શારીરિક તેમજ માનસિક શ્રમને કારણે તેઓનું શરીર અનેક બિમારીઓનું ઘર બન્યું હતું. જ્યારે સરસંઘચાલક રજ્જૂ ભૈયા પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે નિવૃત્ત થવા માંગતા હતા, તો શેષાદ્રિ જી આ જવાબદારી સંભાળે તેવું દરેક કાર્યકર્તાઓ ઇચ્છતા હતા પરંતુ તેઓ આ માટે તૈયાર ન હતા. તેમનું કહેવું હતું કે તેઓનું સ્વાસ્થ્ય સારું ના રહેતું હોવાથી કોઇ યુવા કાર્યકર્તાને આ કામ સોંપવું જોઇએ. અંતે સહ સરકાર્યવાહ શ્રી સુદર્શન જીને આ જવાબદારી સોંપવામાં આવી. શેષાદ્રિ જી નિરહંકાર રીતે ભાવ અને નિષ્ઠા સાથે સહ સરકાર્યવાહ અને બાદમાં પ્રચારક પ્રમુખ તરીકે સતત કાર્ય કરતા રહ્યા.

સંઘ કાર્યાલયમાં વર્ષ 2005માં અંતિમ શ્વાસ લીધા

અંતિમ દિવસોમાં તેઓ બેંગ્લોર કાર્યાલયમાં નિવાસ કરતા હતા. ત્યાં સાંજની શાખા દરમિયાન તેઓ લપસી જતા પગનું હાડકું ભાંગ્યું હતું. એકવાર અગાઉ પણ ફ્રેકચર થઇ ચૂક્યું હતું. આ વખતે ફ્રેકચરની સારવાર દરમિયાન તેમનું શરીર સંક્રમિત થયું. સંક્રમણને કારણે તેઓના શરીરના દરેક અંગ ક્રમશ: નિષ્ક્રીય થવા લાગ્યા.

કેટલાક દિવસ સુધી તેઓને ચિકિત્સાલયમાં રાખવામાં આવ્યા. જ્યારે શરીરથી સંઘ કાર્ય સંભવ નહીં થાય તેવું તેઓએ અનુભવ્યું તો તેઓએ શરીરથી દરેક જીવન રક્ષક ઉપકરણો દૂર કરવા કહ્યું. તેઓની ઇચ્છાનું સન્માન કરીને તેઓને સંઘ કાર્યાલય લાવવામાં આવ્યા. સંઘ કાર્યાલયમાં વર્ષ 2005ની 14 ઑગસ્ટના રોજ તેઓનું નિધન થયું.

(સંકેત)

 

Exit mobile version