Site icon hindi.revoi.in

PM મોદીનો ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ થયો ચરિતાર્થ, તહેવારોમાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલના સંકલ્પ હેઠળ દેશવાસીઓ પણ હવે આ દિશા તરફ વળ્યા છે અને ધીરે ધીરે દેશમાં હવે આ સંકલ્પ ચરિતાર્થ થઇ રહ્યો હોય એવું જોઇ શકાય છે. દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ખાદીનું વેચાણ થયું છે. લોકડાઉનમાં ખાદીના કારીગરોની રોજીરોટી પર ખૂબ અસર વર્તાઇ હતી. પરંતુ પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલની અપીલ કરી ખાદી અને ગ્રામઉદ્યોગને જીવનદાન આપ્યું છે. હાલમાં દેશભરમાં ખાદીનું કાપડ, માસ્ક સહિતની અન્ય વસ્તુઓ ધૂમ મચાવી રહી છે.

ખાદીના વેચાણના આંકડા પર નજર કરીએ તો આ વર્ષે 2 ઑક્ટોબર બાદ માત્ર 40 દિવસમાં 4 વખત દિલ્હીના કનોટ પ્લેસના ખાદીના મુખ્ય આઉટલેટ પર 1 દિવસમાં 1 કરોડથી વધુનું વેચાણ થયું છે. 13 નવેમ્બરે આ આઉટલેટ પર કુલ 1.11 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે. આ વર્ષમાં 2 ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે 1.02 કરોડ રૂપિયાનું ખાદીનું વેચાણ થયું છે. જ્યારે 24 ઑક્ટોબરે 1.05 કરોડ રૂપિયા અને 7 નવેમ્બરે 1.06 કરોડ રૂપિયાનું ખાદીનું વેચાણ થયું હતું.

આપને જણાવી દઇએ કે વર્ષ 2018માં 4 વખત 1 દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુનું ખાદીનું વેચાણ થયું હતું. જેમાં સૌથી વધુ 2 ઑક્ટોબર 2019ના દિવસે 1.27 કરોડ રૂપિયાની ખાદીનું વેચાણ થયું છે. ખાદીના વેચાણમાં પ્રથમ વખત 22 ઓક્ટોબર 2016માં એક દિવસમાં 1 કરોડની પાર આકંડો પહોંચ્યો હતો.

આ અંગે વાત કરતા ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, કોરોના મહામારીમાં ખાદીના કારીગરોએ સતત ઉત્પાદન ચાલુ રાખ્યું અને દેશવાસીઓ પણ ખાદીની ખરીદી કરી કારીગરોનો ઉત્સાહ વધાર્યો છે. જેથી આર્થિક મંદીમાં ખાદીના વિકાસની ગતિ જળવાઇ રહી.

(સંકેત)

Exit mobile version