Site icon hindi.revoi.in

વાંચો ભારતના પ્રથમ શૌર્યવીર લડાકૂ વિમાન પાયલટ ઇન્દ્ર લાલ રૉયના જીવન વિશે, જે આપને આપશે પ્રેરણા

Social Share

જનરલ વી.કે. સિંઘ, (એફબી લિંક)

આપણી યુવા પેઢી જ્યારે “The Boy Who Lived” સાંભળે છે ત્યારે તેમના માનસમાં હૈરી પૉટરનું ચિત્રણ થાય છે. પરંતુ શું તમને યાદ છે કે ભારતમાં પણ એક વીર યોદ્વાનો જન્મ થયો હતો જેના માટે આ વાક્યાંશ વધુ ન્યાયોચિત છે. હું વાત કરું છું ઇન્દ્ર લાલ રૉયની જે ભારતના પહેલા લડાકૂ વિમાનના પાયલટ હતા. જો તમે તેમના જીવન વિશે સાંભળશો તો મારી સાથે ચોક્કસપણે સહમત થશો.

આ વાત છે 20મી સદીના પ્રારંભિક દશકાની. ઇન્દ્ર લાલ રૉય અભ્યાસમાં ખૂબજ અવ્વલ અને હોશિયાર વિદ્યાર્થી હતા અને તેમનું સ્વપન એક લડાકૂ વિમાન પાયલટ બનવાનું હતું. આ કોઇ સરળ કાર્ય ન હતું અને તેને કોઇને કોઇ કારણોસર અસ્વીકૃતિનો પણ સામનો કરવો પડ્યો હતો.

જો કે તેઓએ પુન:પ્રયાસ કરીને તે અસ્વીકૃતિની વિરુદ્વ અપીલ કરી અને અથાગ પ્રયાસ તથા શ્રમથી તેઓને અંગ્રેજોની વાયુસેનામાં નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે તેઓ માત્ર 18 વર્ષના હતા. તેમણે ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ઉડાન કૌશલ્યથી એ સાબિત કરી બતાવ્યું કે ઉંમરમાં તેઓ નાના હતા પરંતુ સાહસ અને પ્રતિભામાં તેઓ ખૂબજ આગળ હતા.

આ વચ્ચે એક જર્મન લડાકૂ વિમાન સાથે થયેલી હવાઇ લડાઇમાં તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેઓને અચેત અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા જ્યાં તેઓને મૃત સમજવામાં આવ્યા હતા. શબઘરમાં જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓએ શોર મચાવ્યો અને ડૉક્ટરો પણ અવાક થઇ ગયા અને તેઓને બહાર કાઢ્યા. ઇજાગ્રસ્ત થવા છત્તાં ઇન્દ્ર લાલ રૉય મક્કમ મનોબળ અને દ્રઢ નિર્ધાર સાથે વાયુસેનામાં ફરી સામેલ થવા માટે આતુર હતા. તેઓએ મજબૂત સંકલ્પશક્તિથી શરીરને વધુ સ્વસ્થ, સુદૃઢ અને સક્ષમ બનાવ્યું. ત્યારબાદ ખૂબજ સમજાવટ, નમ્રતાથી તેમની વિનંતી બાદ તેઓને ફરીથી વાયુસેનામાં નિયુક્ત કરવામાં આવ્યા.

આ વખતે રૉય દૃઢ સંકલ્પશક્તિ સાથે વધુ સમર્થ અને શક્તિશાળી હતા. તેમણે તેમની સાહસિક વૃત્તિથી પ્રથમ વિશ્વ યુદ્વ દરમિયાન લડાકૂ જર્મન વિમાનો સામે લડાઇ કરી અને બે સપ્તાહની અંદર 10 દુશ્મન વિમાનો પર વિજય હાંસલ કર્યો. જો કે 22 જુલાઇ 1918 ના રોજ ચાર જર્મન લડાકૂ વિમાનોનો નિડરતા સાથે સામનો કરવા સમયે આ યોદ્વા વીરગતિને પ્રાપ્ત થયા.

મરણોપરાંત ઇન્દ્ર લાલ રૉય એવા પ્રથમ ભારતીય બન્યા હતા જેમને “The Flying Cross” નું વિશેષ સમ્માન પ્રાપ્ત થયું હતું. માત્ર 19 વર્ષની વયે પોતાના મિત્રો અને શત્રુઓનું સમ્માન જીતનાર ભારતના આ વીર સપૂત આગામી પેઢી માટે એક ઉત્કૃષ્ટ અને શૌર્યથી ભરપૂર દ્રષ્ટાંત છોડી ગયા છે.

હૈરી પૉટર વિશે વાંચન યોગ્ય છે પરંતુ તે કાલ્પનિક છે. આપણે દેશના આવા દ્રષ્ટાંતરૂપ શૌર્યવીરોને ના ભૂલવા જોઇએ જે આપણી મહાનતાનું પ્રતીક છે અને જે સ્વયં કોઇ દંતકથાને સમકક્ષ છે.

 

 

Exit mobile version