Site icon Revoi.in

રક્ષા મંત્રીનો રશિયા પ્રવાસ, SCOની બેઠકમાં ચીનના રક્ષામંત્રી સાથે નહીં કરે મુલાકાત

Social Share

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજુ પણ ઉકેલ્યો નથી ત્યારે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસ માટે રવાના થયા છે. રક્ષા મંત્રી રશિયાના 3 દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. આ 3 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં ભાગ લેશે. સૂત્રોનુસાર SCOની બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીનના રક્ષામંત્રી સાથે મુલાકાત નહીં કરે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, 4 સપ્ટેમ્બરના રોજ રાજનાથ સિંહ SCOની બેઠકમાં સામેલ થવાના છે. એક જાણકારી પ્રમાણે શાંઘાઇ સહયોગ સંગઠનની આ બેઠકમાં ચીનના રક્ષામંત્રી વેન ફેંગ પણ સામેલ થાય તેવી સંભાવના છે.

ભારત અને ચીન વચ્ચે હાલ સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આ મહત્વની બેઠકમાં પ્રથમવાર બંને દેશ આમને-સામને હશે. આપને જણાવી દઇએ કે આ સંગઠનમાં ભારત અને રશિયાની સાથે ચીન પણ સભ્ય છે.

મહત્વનું છે કે, રાજનાથ સિંહ આ બેઠકમાં ભાગ લીધા બાદ અને 3 દિવસીય પ્રવાસ પૂર્ણ કર્યા બાદ 5 સપ્ટેમ્બરના રોજ ભારત પરત ફરશે. તેઓ 5 સપ્ટેમ્બરની સાંજે મોસ્કોથી દિલ્હી પરત ફરશે ભારત-ચીન વચ્ચે હાલમાં ફરી થયેલી અથડામણ વચ્ચે રાજનાથ સિંહનો મોસ્કો પ્રવાસ અને SCOની બેઠકને ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન વિરુદ્વ અક્કડ વલણ દર્શાવે તેવું માનવામાં આવી રહ્યું છે.

(સંકેત)