
PMC ગોટાળો: HDIL ના ડાયરેક્ટર્સના ઘરેથી રોલ્સ રૉયસ અને બેંટલે સહિત 12 લક્ઝરી કાર જપ્ત કરાઇ
- PMC બેંક ગોટાળામાં HDILના ડાયરેક્ટર્સના ઘરે EDના દરોડા
- ઇડીએ રોલ્સ રોયસ, બેંટલે સહિતની 12 લક્ઝરી કાર ટાંચમાં લીધી
- PMC બેંકે નિયમોનું ઉલ્લંઘન કરીને મોટી લોન HDILને આપી હતી
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઑપરેટિવ બેંક મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ એમડી જૉય થૉમસની ધરપકડ કરી છે. આ પહેલા પીએમસી ગોટાળા મામલે ઇડીએ 6 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ઇડીએ પીએમસી ગોટાળાના આરોપમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના બે ડાયરેક્ટર્સના ઘરેથી કરોડો રૂપિયા તેમજ 12 લક્ઝરી કારને ટાંચમાં લીધી છે. બન્ને આરોપીના ઘરેથી ટાંચમાં લેવાયેલી કારમાં રેંજ રોવર, રોલ્સ રૉયસ, બેંટલે, બીએમડબલ્યુ, બલેનો, ક્વાલિસ અને મર્સિડીઝ બેંઝ જેવી કાર સામેલ છે. આ કારની કુલ કિંમત 40 કરોડથી વધુ છે.
જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 6 જગ્યાએ દરોડા પાડ્યા છે. તેમાં બાંદ્રા પૂર્વમાં એચડીઆઇએલના મુખ્ય કાર્યાલય તેમજ રાકેશ વધાવનના નિવાસસ્થાન સામેલ છે. જેને બાંદ્રામાં વાધવન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. ઇડીએ પૂર્વ પીએમસી બેંકના ચેરમેન વરિયામ સિંહ અને વર્તમાન એમડી જૉય થૉમસના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન માલુમ પડ્યું છે કે એચડીઆઇએલ, કોલકાતા નાઇટ રાઇડર્સના પ્રાયોજકોમાંથી એક હતી, જે એક આઇપીએલ ક્રિકેટ ટીમ હતી.
આ વચ્ચે રિઝર્વ બેંકે બેન્કિગ પ્રણાલીની સ્થિતિને લઇને વ્યાપ્ત આશંકાઓને દૂર કરવા માટે ગ્રાહકોને કહ્યું છે કે ગભરાવવાની કોઇ જરૂર નથી. સહકારી બેંકો માટે નિયમનકારી માળખા અને રૂપરેખાની સમીક્ષા કરાશે. પોલિસ અધિકારી અનુસાર થૉમસને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં બોલાવાયા હતા. પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઇ હતી.
નોંધનીય છે કે પીએમસીએ નિયમોનું ઉલ્લંઘન કરીને લોનનો મોટો હિસ્સો ભૂમિ અને ભવનનું નિર્માણ કરનારી એચડીઆઇએલ સમૂહની કંપનીઓને જ આપ્યો હતો. બેંકની 73 ટકા જેટલી લોન એનપીએમાં તબદીલ થઇ ચૂકી છે. પોલિસ અધિકારી અનુસાર ઇડીએ એચડીઆઇએલની 3500 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.