- કોરોના કાળમાં પીએમ મોદીએ આપ્યું પહેલું ઇન્ટરવ્યૂ
- સરકાર વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી માટે હજુ પ્રતિબદ્વ: PM
- દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે
નવી દિલ્હી: કોરોના કાળમાં પીએમ મોદીએ પહેલું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. પીએમ મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લૉકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સરકાર હજુ પણ વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્વ છે. તેમણે ટીકાકારો પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે ટીકાકારો સરકારી છબિ ખરાબ કરવા માંગે છે.
ઇકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. ભારત રોકાણ માટે અન્ય દેશોનું મનપસંદ ડેસ્ટિનેશન બનશે. પીએમ મોદીએ ઇન્ટરવ્યૂમાં અર્થતંત્ર, કોવિડ-19, રોકાણ, સુધારાત્મક પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. કોવિડ મહામારી બાદ ઝડપથી બદલાતી દુનિયામાં નવા ભારતની શું ભૂમિકા હશે તે અંગે પણ તેમણે વાત કરી હતી.
પીએમ મોદીએ કોરોના મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂક્યો. ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોના નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાસલ કરશે.
કોરનાના મામલે સતર્કતા દાખવવા પર ભાર આપતા તેમણે કહ્યું હતું કે કોરોનાના કેસમાં ભલે ઘટાડો આવ્યો હોય પરંતુ આપણે તેનાથી ઉજવણી કરવાની જરૂર નથી કારણ કે આપણે એ નક્કી કરવું પડશે કે આપણે આપણા સંકલ્પ, આપણા વ્યવહારમાં ફેરફાર લાવીશું અને સિસ્ટમને વધુ મજબૂત કરીશું.
તેમણે કૃષિ કાયદા પર કહ્યું હતું કે વિશેષજ્ઞ લાંબા સમયથી આ સુધારોની વકાલત કરી રહ્યા છે. ત્યાં સુધી કે રાજકીય પાર્ટીઓ પણ આ સુધારાના નામ પર વોટ માંગતા રહ્યા છે. તમામ આ સુધાર ઇચ્છતા હતા. અહીંયા મુદ્દો એ છે કે વિપક્ષી પાર્ટી નથી ઇચ્છતી કે અમને આનો શ્રેય મળે.
રોજગાર મુદ્દે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યુ હતું કે EPFOના નવા ગ્રાહકોના મામલામાં ઑગસ્ટ 2020ના મહિનાને જુલાઇ 2020ની તુલનામાં 1 લાખથી વધુ નવા ગ્રાહકોની સાથે 24 ટકાની છલાંગ મારી છે. તેનાથી એ વાત જાણી શકાય છે કે નોકરીઓનું માર્કેટ ખુલી રહ્યું છે. તે ઉપરાંત વિદેશી મુદ્રા ભંડારે રેકોર્ડ ઊંચાઇને સ્પર્શ કરી લે છે.
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત મુદ્દે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતની ઘોષણઓ અર્થવ્યવસ્થા માટે એક મોટી પ્રેરણા છે. ખાસ કરીને નાના વ્યવસાયો અને અનૌપચારિક ક્ષેત્ર માટે વિશેષ પ્રેરણા છે. રોકાણ અને માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ અને વિકાસ માટે પ્રેરક શક્તિ સાબિત થશે.
(સંકેત)