
દેશમાં બમણી થઇ વાઘની જનસંખ્યા, બનાવ્યો આ રેકોર્ડ
- પીએમ મોદીના નેતૃત્વ હેઠળ લક્ષ્યાંક ચાર વર્ષ પહેલા કર્યુ પૂર્ણ
- ભારતે વાઘની જનસંખ્યા મામલે નવો રેકોર્ડ કર્યો સ્થાપિત
- ગિનિઝ બુક રેકોર્ડમાં નોંધણીને લઇને PM મોદીએ ખુશી વ્યક્ત કરી
પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતે ‘સંકલ્પથી સિદ્વિ’ના માધ્યમથી લક્ષ્ય કરતા ચાર વર્ષ પહેલા જ વાઘની સંખ્યા બમણી કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. ભારતે વાઘની જનસંખ્યા મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. ગિનીઝ બુક અને વર્લ્ડ રેકોર્ડમાં નોંધણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રકાશ જાવડેકરે ટ્વિટના માધ્યમથી જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશનનો સૌથી મોટો કેમેરા ટ્રેપ હવે ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઇ ગયો છે. વાઘની ગણતરી માટે 26,760 વિભિન્ન લોકેશન્સ પર Paired કેમેરા લગાવવામાં આવ્યા હતા જેના વડે આશરે 3.5 કરોડ ફોટો ખેંચવામાં આવેલા.
સરકારે અખિલ ભારતીય વાઘ અનુમાન રિપોર્ટ 2018 જાહેર કરતા જણાવ્યું કે, આશરે 3,000 વાઘ સાથે ભારત વિશ્વનું સૌથી મોટું અને સુરક્ષિત ઠેકાણું છે. ઉલ્લેખનીય છે કે, 2014ના એક સર્વેમાં વાઘની સંખ્યા 2,226 જેટલી નોંધાઈ હતી.
મહત્વનું છે કે, આશરે 9 વર્ષ પહેલા પીએમ મોદીએ સેન્ટ પિટ્સબર્ગ ખાતે વર્ષ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરી દેવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. જો કે સરકારે ચાર વર્ષ વહેલું આ લક્ષ્યાંક સિદ્વ કરી લીધું છે.
જો આંકડાઓ પર ધ્યાન આપીએ તો 2006માં દેશમાં વાઘની સંખ્યા આશરે 1,411 હતી જે 2019માં વધીને 2,967 થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આને સંકલ્પથી સિદ્ધિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું.
(સંકેત)