
દેશમાં લોકડાઉન લાગુ કરવા અંગે સરકારની સ્પષ્ટતા, નહીં લાગુ થાય લોકડાઉન
- કોરોનાના વધતા કેસ વચ્ચે લોકડાઉન લાગુ કરવાની અટકળોનો અંત
- હજુ દેશમાં લોકડાઉન લાગુ કરવાની આવશ્યકતા નથી: સ્વાસ્થ્ય મંત્રાલય સચિવ
- રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવાયું છે
કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે સરકાર ફરીથી લોકડાઉન લાગૂ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને લોકડાઉન લાગુ કરશે કે નહીં તે અંગે અનેક અટકળો થઇ રહી હતી. જો કે હવે આ વચ્ચે દરેક અટકળોનો અંત આવ્યો છે. મંગળવારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેષ ભૂષણે ફરીથી લોકડાઉન લાગુ નહીં થાય તેવું જણાવ્યું હતું.
દેશમાં લોકડાઉન લાગુ થશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે દેશમાં હાલમાં લોકડાઉનની આવશ્યકતા નથી. રાજ્યોની સાથે કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત કોરોનાના કેસ વધે તો જે તે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાના અધિકાર રાજ્ય સરકારને અપાયેલો જ છે.
જો કોઇ રાજ્યના એક ચોક્કસ વિસ્તાર, ગામ કે શહેરમાં કેસ વધે છે તો કેટલાક દિવસનું લોકડાઉન તે વિસ્તાર પુરતુ લાગુ થઇ શકે છે. જેમ કે મધ્યપ્રદેશ એ દર રવિવારે, ઉત્તર પ્રદેશ સરકારે દર શનિવાર અને રવિવારે બજારો બંધ રાખવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્ર સરકારે પૂણેમાં લોકડાઉન લાગુ કર્યું છે.
દરેક રાજ્યોમાં વધતા કેસ અંગે કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક થઇને જે વિસ્તારોમાં કેસ આવે ત્યાં સક્રિયતા દાખવવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો આમ છત્તાં સ્થિતિમાં પરિવર્તન ના દેખાય તો લોકડાઉન રાજ્ય સરકાર લાગુ કરી શકે છે.
(સંકેત)