- આજે 26 નવેમ્બરે નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) મનાવાય છે
- ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડૉ.વર્ગિસ કુરિયનના જન્મદિવસ પર દૂધ દિવસ ઉજવાય છે
- ચાલો આજે વાંચીએ રાષ્ટ્રીય દૂધ દિવસનો ઇતિહાસ અને ડૉ.વર્ગિસ કુરિયન વિશે
સંકેત. મહેતા
આજે 26 નવેમ્બર. 26 નવેમ્બરને દર વર્ષે નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. ડૉક્ટર વર્ગિસ કુરિયન કે જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કહેવામાં આવે છે, તેમનો આ દિવસે જન્મ થયો હતો. આ જ દિવસને દર વર્ષે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ રાષ્ટ્રીય દૂધ દિવસનો ઇતિહાસ અને શ્વેત ક્રાંતિના જનક એવા ડૉક્ટર વર્ગિસ કુરિયન વિશે.
શા માટે મનાવાય છે દૂધ દિવસ
દેશના લોકોમાં દૂધ અને દૂધ ઉદ્યોગ અંગે ચાલી રહેલી પ્રવૃત્તિઓના પ્રચાર તથા લોકો વચ્ચે દૂધ તેમજ દૂધના ઉત્પાદનોનાં મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે રાષ્ટ્રીય દૂધ દિવસ મનાવવામાં આવે છે.
રાષ્ટ્રીય દૂધ દિવસનો ઇતિહાસ
ભારતીય ડેરી એસોસિએશન તરફથી વર્ષ 2014થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ નેશનલ મિલ્ક ડે 26 નવેમ્બર, 2014ના રોજ મનાવવામાં આવ્યો હતો. જેમાં 22 રાજ્યોના વિવિધ દૂધ ઉત્પાદકોએ ભાગ લીધો હતો.
ડૉ.વર્ગિસ કુરિયન વિશે – શ્વેત ક્રાંતિના જનક
ડો. કુરિયનને શ્વેતક્રાંતિ એટલે કે ઓપરેશન ફ્લડ (Operation Flood)ના જનક કહેવામાં આવે છે. તેમના વડપણમાં ચાલેલા આ ઓપરેશનને પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો. ભારતનું ઓપરેશન ફ્લડ દુનિયાનો સૌથી મોટો ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો જેના કારણે ભારતનું દૂધ ઉત્પાદન વધ્યું હતું. આમ, ડોક્ટર કુરિયનની કરિયર પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે તેમની સિદ્ધિ દૂધ ઉત્પાદન વધારવા કરતા ઘણી વધારે છે. તેમણે ચેન્નાઈની લોયલા કોલેજમાંથી 1940માં વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે ચેન્નાઇની એનજી એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી.
જેના જન્મદિવસ પર પર નેશનલ મિલ્ક ડે મનાવવામાં આવે છે તેવા દૂધ ક્રાંતિના જનક વર્ગિસ કુરિયન વિશે વાત કરીએ તો તેમનો જન્મ 26 નવેમ્બર, 1921ના રોજ કેરળમાં કોઝિકોડમાં એક સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. ડૉક્ટર કુરિયન અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેમણે વર્ષ 1940માં લોયોલા કૉલેજમાંથી વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી. જે બાદમાં ચેન્નાઇની ગુઇન્ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી હતી. તેમણે ડેરી એન્જિનિયરિંગ વિશે પણ અભ્યાસ કર્યો હતો.
ડૉક્ટર કુરિયનનું સ્વપ્ન એન્જિનિયર તરીકે ભારતીય સૈન્યમાં જોડાવાનું હતું પરંતુ ઇશ્વરે તેમના નસીબમાં કદાચ બીજું જ કઇ કાર્ય લખ્યું હતું.
વર્ષ 1949માં સરકારે તેમને ગુજરાતના આણંદ ખાતે એક ડીરેમાં કામ માટે મોકલ્યા હતા. અહીં મન ના લાગતા તેઓ સરકારી નોકરી છોડવાના જ હતા ત્યારે ત્રિભોવનદાસ પટેલે તેમને આવું કરતા અટકાવ્યા હતા. તેમણે ડૉકટર વર્ગિસ કુરિયન પાસેથી ટેકનિકલ બાબતોમાં મદદ કરવા કહ્યું હતું. બાદમાં ડૉક્ટર વર્ગિસ કુરિયન અને ત્રિભોવનદાસ પટેલે સંયુક્તપણે કેરા ડિસ્ટ્રિક્ટ કૉપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યૂનિયન લિમિટેડ અંતર્ગત દૂધ સહકારી ચળવળ શરૂ કરી હતી. આજે તે અમૂલના નામે ઓળખાય છે. દુનિયા આજે વર્ગીસ કુરિયનને ‘મિલ્ક મેન’ તરીકે ઓળખે છે.
આણંદનું સહકારી મોડલ આ રીતે થયું પ્રસિદ્વ
ડૉક્ટર કુરિયનની મદદથી નવી મશીનરી ખરીદવામાં આવી હતી. જેનાથી વર્ષ 1948ના વર્ષમાં દૂધની કેપેસિટી 200 લીટર હતી તે વર્ષ 1952માં વધીને 20,000 લીટર સુધી પહોંચી હતી, જે બાદમાં આણંદનું સહકારી મોડલ પ્રસિદ્વ થયું હતું.
આ રીતે અપાયું ‘અમૂલ’ નામ
હકીકત પર પ્રકાશ પાડીએ તો ‘અમૂલ’ નામ ડૉક્ટર વર્ગિસ કુરિયન તરફથી આપવામાં આવ્યું ન હતું. વર્ષ 1957ના વર્ષમાં લેબોરેટરીમાં કામ કરતા કેમિસ્ટે આ નામ આપ્યું હતું. આ શબ્દ સંસ્કૃતના ‘અમૂલ્ય’ તરફથી આવ્યો છે. જેનો અર્થ જેની કિંમત ના આંકી શકાય તેવો થાય છે.
પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત પ્રતિભા
ડૉક્ટર વર્ગિસ કુરિયનને તેમના અમૂલ્ય યોગદાન બદલ અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ્સમાં રેમન મેગ્સેસ એવોર્ડ, વેટલર પીસ પ્રાઇઝ, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સામેલ છે.
નોંધનીય છે કે, ડૉ. વર્ગીસ કુરીયને ભારતનું દુધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વમાં સૌથી વધુ દુધ ઉતપાદન કરતા દેશ તરીકે રૂપાંતર કર્યું હતું. કેરાલામાં કાલીકટ ખાતે વર્ષ-૧૯૨૧માં જન્મેલા ડૉ. કુરીયને કરોડો દેશવાસીઓના જીવનમાં સુધારણા માટે મહિલાઓના સશક્તિકરણ માટે અને ભારતના દુધ ઉદ્યોગને ગ્રામ્ય વિસ્તારના કરોડો લોકોને સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર દેશ બને તે માટે પોતાના જાત સમર્પિત કરી દીધી હતી. તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ ડૉ. કુરીયનનું નિધન થયું હતું.