- ભારત સરકાર લોકોને સ્થાનિક વસ્તુઓ ખરીદવાનું કરી રહી છે આહવાન
- હવે આ જ દિશામાં MSME મંત્રાલય દ્વારા ખાદીના પગરખાં લોન્ચ કરાયા
- ખાદીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે MSMEએ પગરખાં કર્યા લોન્ચ
નવી દિલ્હી: ભારત સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ હેઠળ લોકોને સ્વદેશી સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે અને ખુદ પીએમ મોદીએ પણ પોતાના મન કી બાત કાર્યક્રમમાં સ્વદેશી સામનનો ઉપયોગ કરવાની વાત કરી હતી. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાદીના પગરખા લોન્ચ કર્યા છે. ખાદીને પ્રોત્સાહન આપવા માટે MSME મંત્રાલય તરફથી આ એક નવી શરૂઆત કરવામાં આવી છે.
દેશના મોટા ભાગના વિસ્તારમાં હાલમાં ખાદીના કપડાં, માસ્ક અને અન્ય સામાનનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે હવે તહેવારોની આ મોસમમાં ખાદીના પગરખાં બજારમાં આવી ગયા છે. જે પુરુષો અને મહિલાઓ એમ બન્ને માટે મળી રહેશે.
ખાદીના પગરખાના લોન્ચિંગ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે આશા છે કે લોકોને આ પસંદ આવશે અને ફરી એક વખત લોકો ખાદી ખરીદવા તરફ વળશે.
નોંધનીય છે કે પીએમ મોદીએ પણ તહેવારોના આ સમયમાં લોકલ ચીજ વસ્તુઓ ખરીદીને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ લઇ જવા માટે લોકોને આહવાન કર્યું હતું. તે ઉપરાંત પોતાના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ખાદી હવે દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી રહ્યું છે, તે ઉપરાંત તે ફેશન સ્ટેટમેન્ટ પણ બની ચૂક્યું છે.
(સંકેત)