Site icon hindi.revoi.in

ધોનીની 5 વર્ષીય પુત્રી પર દુષ્કર્મની ધમકી આપનાર આરોપીની મુંદ્રાથી કરાઇ અટકાયત, ઝારંખડ પોલીસને સોંપાશે

Social Share

કચ્છ:  હાલ દુબઇમાં IPL ચાલી રહી છે ત્યારે થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ધોનીની પત્ની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ધોનીની 5 વર્ષની દીકરી જીવા (Ziva) સાથે દુષ્કર્મ કરવાની ધમકી એક યુવકે આપી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સના સૂકાની મહેન્દ્રસિંહ ધોનીની પાંચ વર્ષની દીકરી વિરુદ્વ કોઇકે સોશિયલ મીડિયામાં આપત્તિજનક કમેન્ટી કરી હતી અને રેપની ધમકી આપી હતી.

આ ઘટના બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે ધોનીની પુત્રી પર દુષ્કર્મ કરવાની ધમકી આપનાર એન્ટિ સોશિયલ યૂઝરની કચ્છના મુંદ્રા તાલુકાના કપાયા ગામમાંથી અટકાયત કરી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ સગીરની ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. હવે તેને ઝારખંડ પોલીસને સોંપવામાં આવશે.

આ ધમકી બાદ ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તે ઉપરાંત ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે ગત બુધવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ બીજી ઇનિંગમાં ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ નિવડી હતી. પરિણામે સીએસકેના સૂકના એમ એસ ધોનીની સોશિયલ મીડિયામાં ટીકા થઇ હતી. જો કે આ વચ્ચે આ સગીરે સોશિયલ મીડિયામાં આ પ્રકારની અભદ્ર કોમેન્ટ કરીને તમામ હદો વટાવી દીધી હતી.

નોંધનીય છે કે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ આ ઘટનાની ઘણી જ નિંદા કરી હતી. આ સાથે અનેક ભૂતપૂર્વ ક્રિકેટરો અને પત્રકારોએ દોષિતની વહેલી તકે ધરપકડ કરવા અને તેની વિરુદ્વ દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હવે દોષિતની ધરપકડ કરાઇ છે.

(સંકેત)

Exit mobile version