Site icon hindi.revoi.in

મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેરનાર લોકોને હવે થશે ઓપન જેલ

Social Share

મધ્યપ્રદેશમાં કોરોના વિસ્ફોટ થતા કેસ ઝડપી ગતિએ વધતા હવે મધ્યપ્રદેશ સરકાર એક્શનમાં આવી છે અને કોરોના ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લઇ રહી છે. હવે મધ્યપ્રદેશમાં માસ્ક ન પહેરતા લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે. CM શિવરાજસિંહ ચૌહાણે માસ્ક ન પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો આદેશ કર્યો છે. આ જેલમાં માસ્ક ન પહેરતા લોકોને થોડો સમય રાખવામાં આવશે. તે ઉપરાંત જે જીલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધારે છે ત્યાં કટોકટી વ્યવસ્થા સમિતિ તરફથી કરવામાં આવેલી ભલામણોને આધારે લગ્ન જેવા આયોજનમાં આમંત્રિતોની સંખ્યા મર્યાદિત કરાશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, CM શિવરાજસિંહ ચૌહાણે જે જીલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે ત્યાં લગ્ન જેવા આયોજન પર બિન-જરૂરી પ્રતિબંધો ન લગાવવાનો આદેશ આપ્યો છે. જ્યારે માસ્ક ન પહેરવાથી લઇને અન્ય બેદરકારી દાખવતા લોકોને થોડો સમય સુધી ઓપન જેલમાં રાખવાનો આદેશ કર્યો છે. જે લોકો હોમ આઇસોલેશનમાં છે તેમના ઘર બહાર આ પ્રકારની સૂચના લગાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ સાથે સાથે મુખ્યમંત્રી શિવરાજે કહ્યુ હતુ કે, કોરોના યોદ્ધા ડૉક્ટર શુભમ ઉપાધ્યાય કોરોના દર્દીઓની સેવા કરતાં કરતાં શહીદ થયા છે. તેમને બચાવવાના ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે તેમને ચેન્નાઇ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેના પૂર્વે જ તેમનું નિધન થઈ ગયું હતું. તેમના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.

નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનું પ્રમાણ 91.1 ટકા છે, જ્યારે પોઝિટિવિટી રેટ 5.5 ટકા છે. અહીં મૃત્યુદર 1.6 ટકા છે. રાજ્યમાં કોરોના સક્રિય કેસની સંખ્યા 14 હજાર 677 છે.

(સંકેત)

Exit mobile version