
- રાઉજ એવેન્યૂ કોર્ટમાં ડીકે શિવકુમાર વિરુદ્વ સુનાવણી
- EDએ કોંગ્રેસ નેતાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી
- RML હોસ્પિટલમાં ડીકે શિવકુમારે રાત પસાર કરી
મની લોન્ડરિંગ મામલામાં ધરપકડ કરાયેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર વિરુદ્વ રાઉજ એવેન્યૂ કોર્ટમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) 14 દિવસની કસ્ટડીની માંગ કરી છે. એડિશનલ સૉલિસિટર જનરલ નટરાજને કહ્યું હતું કે આયકર વિભાગને તપાસ દરમિયાન વિવિધ સ્થળો પરથી મહત્વના દસ્તાવેજો અને પૈસા હાથે લાગ્યા છે. જ્યારે ડીકે શિવકુમારના વકીલે પણ કોર્ટમાં બે અરજી દાખલ કરી છે. પહેલી અરજીમાં રિમાંડને પડકારાઇ છે અને જામીન માટે પણ બીજી અરજી કરાઇ છે.
એએસજીએ કહ્યું કે ડીકે શિવકુમારની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાઇ છે. જે રીતે નાણાં જપ્ત કરાયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે તેના પદનો ફાયદો ઉઠાવ્યો છે. તેની સંપત્તિમાં વધારો થયો છે, તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે.
ઇડી તરફથી પક્ષ રાખતા એએસજીએ કહ્યું હતું કે આરોપીને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવી આવશ્યક છે. અમારે તપાસ દરમિયાન અનેક લોકો સાથે આરોપીની મુલાકાત કરાવીને પૂછપરછ કરવાની છે. જેથી કરીને આ મામલે યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી શકાય. તે ઉપરાંત આરોપી તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. તેઓ તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે.
તપાસ દરમિયાન જે પૈસા મળ્યા તે અંગે પૂછાતા તેઓ આડા અવળા જવાબ આપે છે. તેથી જ અમારે તેની 14 દિવસની કસ્ટડી જોઇએ છે. અમે સીબીઆઇને પણ આ અંગે જાણકારી આપી છે. આરોપીની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સજા થઇ શકે તેટલા પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે.
જ્યારે ડીકે શિવકુમાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ દલીલ રજૂ કરી હતી કે આરોપીની સ્વતંત્રતા દાવ પર છે. અધિકારીઓ સાંજે 4 વાગ્યે રેડિમેડ એપ્લિકેશન સાથે કોર્ટમાં હાજર થાય છે. સિંધવીએ કહ્યું, તપાસ અધિકારી પાસે આ કેસમાં પોતાના સવાલ નથી હોતા. તેને સવાલ અપાય છે. 4 દિવસ દરમિયાન 34 કલાક પૂછપરછ કરાઇ છે. આરોપી તપાસમાં સામેલ થયા હતા. 3 સપ્ટેમ્બરે 9 કલાકની પૂછપરછ બાદ ઇડીએ તેની ધરપકડ કરી. જે પૈસા મળ્યા, તે આયકર વિભાગના દરોડામાં મળ્યા હતા.
સિંધવીએ કહ્યું, 2 ઑગસ્ટની રેડ બાદ આવક વેરા વિભાગે ફરીયાદ દાખલ કરી અને ત્યારબાદ તપાસ શરૂ થઇ. રિમાંડ અરજીમાં માત્ર ઇનકમટેક્સ લખ્યું છે. આ ફરીયાદને કોર્ટમાં પડકારાઇ હતી. નીચલી અદાલતથી અમને ઝટકો લાગ્યો અને ત્યારબાદ અમે હાઇકોર્ટમાં ગયા અને આ મામલે હાઇકોર્ટે સ્ટે આપ્યો.
જણાવી દઇએ કે મની લોન્ડરિંગ કેસમાં ડીકે શિવકુમારની ઇડીએ ધરપકડ કરી છે. 2016ની નોટબંધી દરમિયાન શિવકુમાર ચર્ચામાં આવ્યા હતા. આવકવેરા વિભાગ અને ઇડી લાંબા સમયથી તેની આર્થિક લેવડદેવડની તપાસ કરી રહી હતી. 2 ઑગસ્ટ, 2017ના રોજ નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં 8.59 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઇ હતી.
ત્યારબાદ આયકર વિભાગે કોંગ્રેસ નેતા અને તેના ચાર અન્ય સહયોગીઓ વિરુદ્વ ફરીયાદ દાખલ કરી હતી. આવકવેરા વિભાગના આરોપ પર ઇડીએ શિવકુમાર વિરુદ્વ મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો. ડીકે શિવકુમારે બચાવ કરતા કહ્યું હતું કે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા તેના વિરુદ્વ રાજનૈતિક બદલાની ભાવનાથી કામ કરી રહ્યા છે.