
લોકડાઉનએ નોકરી છીનવી, પરંતુ ‘કળા’ને ઓળખ બનાવી અને કર્યું આવકનું સર્જન,પૂરું પાડ્યું આત્મનિર્ભર ભારતનું દ્રષ્ટાંત
- કોરોના મહામારી દરમિયાન પણ કળાને અવસરમાં ફેરવવાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત
- નોકરી ગઇ પરંતુ પોતાની હસ્તકળાથી બનાવ્યા અનેક મિનિએચર
- આ જ કળાને તકમાં તબદિલ કરીને પંકજ કુમારે આવકનું કર્યું સર્જન
- વાંચો કઇ રીતે તેમણે આ સિદ્વિ કરી હાંસલ
કોરોના મહામારીને કારણે લોકોનું સ્વાસ્થ્ય તો જોખમમાં મૂકાયું જ છે પરંતુ સાથોસાથ દેશના અર્થતંત્રને પણ મોટો ફટકો પડ્યો છે. કોરોના અનેક લોકોની નોકરી પણ ભરખી ગયો છે. ધંધા-રોજગાર સ્થગિત થઇ જતા અનેક કંપનીઓને મંદીનો માર પડતા મોટા પાયે તેઓ કર્મચારીઓની છટણી કરી રહ્યા છે. આ સમયમાં લોકો બેકાર થઇને ઘરે જ રહેવા મજબૂર બન્યા છે. જો કે, આ સમયમાં પણ કેટલાક લોકો બેકાર રહેવાને બદલે પોતાની સર્જનાત્મકતાના જોરે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે.
પોતાની સર્જનાત્મકતાને અવસરમાં પલટી નાખનાર આવા જ એક વ્યક્તિ છે હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી પંકજ. તેમણે લોકડાઉનમાં સમયમાં પોતાની સર્જનાત્મકતાને તકમાં ફેરવીને કેટલીક અદ્દભુત વસ્તુઓનું નિર્માણ કર્યું છે જે જોઇને ખુદ તમે પણ અંચબિત થઇ જશો.
સર્જનાત્મકતાથી બનાવ્યા મિનિએચર
હમીરપુરના પંકજ કુમારે હાથથી કાગળ અને લાકડીનો ઉપયોગ કરીને મિનિએચર વાહનોનું નિર્માણ કર્યું છે. તેમણે પોતાની કળાથી આ વસ્તુઓને એટલું સુંદર ફિનિશિંગ આપ્યું છે કે નજીકથી જોતા આ વાહનો એકદમ વાસ્તવિક લાગે છે. પંકજ કુમારે પોતાના ઘરના જ આંગણામાં મીની બસ અડ્ડા બનાવ્યું છે. આ રીતે પંકજે આત્મનિર્ભર ભારત માટેનું એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

બાળપણથી ચિત્રકળા-હસ્તકળાનો શોખ
બાળપણથી જ પંકજ કુમાર ચિત્રકળા અને હસ્તકળાનો શોખ ધરાવે છે. જો કે પંકજ એક ખાનગી કંપનીમાં નોકરી રહ્યા હતા પરંતુ લોકડાઉનને કારણે તેમને ઘરે બેસવાનો વારો આવ્યો. ઘરે બેસવા સમયે પંકજ કુમારે પોતાની આ હસ્તકળાને અવસરમાં પલટીને મિનિએચર બનાવાનું શરૂ કર્યું.
ઘરમાં જ અનેક વસ્તુઓનું કર્યું નિર્માણ
લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવ્યા બાદ પંકજ કુમારે સમય વ્યર્થ કરવાને બદલે ઘરમાં જ પોતાની કળાથી ટેન્કર, ટિપ્પર, ટ્રેકટર જેવી વસ્તુઓ બનાવા લાગી. પરિવારના લોકો પણ તેમની આ કળાથી અંચબિત થઇ ગયા. પંકજ રમકડાંની ગાડીઓ માત્ર 2-3 દિવસમાં જ બનાવી લે છે. આ ગાડીઓ પર તેમણે ઓટોમેટિક લાઇટો પણ લગાવી છે. દેખાવમાં આ વાહનો એકદમ વાસ્તવિક લાગે છે.

તેમની આ કળાથી રમકડાં બનાવવાનું કામ તેમના પરિવારને પહેલા પસંદ નહોતું આવ્યું પરંતુ તેમણે રમકડાં બનાવ્યા બાદ તેઓ પણ ખુશ છે અને હવે આસપાસના વિસ્તારોમાંથી પણ માંગ આવી રહી છે.
સર્જનાત્મકતાથી આવકનું સર્જન
પંકજે શરૂઆતમાં આ વસ્તુઓ બનાવી. ત્યારબાદ તેઓને આ વસ્તુનું માર્કેટિંગ કરવાનો આઇડિયા આવ્યો. આ માટે તેમણે આ ગાડીઓની તસવીરો ફેસબૂક પર મૂકી. ફેસબૂક પર તસવીરો મુકતા જ આ વસ્તુઓની ડિમાન્ડ આવવા લાગી અને હવે લોકો તેમને ઓર્ડર આપી રહ્યા છે અને પંકજ કુમાર ઓર્ડર મુજબ વસ્તુ બનાવી તેને મોકલે છે અને આવક મેળવે છે.

શું કહે છે પંકજ કુમાર
તેમની આ આવડત અંગે વાત કરતા પંકજ કુમારે જણાવ્યું હતું કે લોકડાઉનમાં ઘરે બેઠા તેમને આ રીતે ગાડી બનાવવાનો વિચાર આવ્યો અને પોતાના શોખને કારણે તેમણે એક ડઝન ગાડીઓનું નિર્માણ કર્યું અને ફેસબૂક પર મૂકવાનું શરૂ કર્યું. લોકોએ આ ગાડીઓ ખરીદવાની માંગ કરી. જેથી હવે તેઓ આવક પ્રાપ્ત થતા આ કામ કરીને ખુશ છે.
મહત્વનું છે કે, કોરના જેવા સંકટના સમયમાં પણ જ્યારે દેશમાં અનેક લોકો મંદીને કારણે નોકરી ગુમાવી ચૂક્યા છે. આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને કેટલાક તો આપઘાત પણ કરી રહ્યા છે ત્યારે પંકજ કુમાર જેવા ખંતીલા અને મક્કમ મન ધરાવતા સર્જનાત્મક લોકો પોતાની કળાને અવસરમાં પલટીને આવકનું સર્જન કરી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ દ્રષ્ટાંત સમાજને પૂરું પાડી રહ્યા છે.
(સંકેત)