
ચીનને વધુ એક ઝટકો! મહારાષ્ટ્ર સરકારે ચીનની 3 કંપનીઓના પ્રોજેક્ટ પર લગાવી રોક
- લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય જવાન શહીદ થયા બાદ ચીન સામે દેશનો આક્રોશ
- ચીનની આર્થિક કમર ભાંગવા માટે ચીની વસ્તુઓના બહિષ્કારની ઉગ્ર બનતી ચળવળ
- મહારાષ્ટ્ર સરકારે પણ ચાઇનીઝ કંપનીના 3 પ્રોજેક્ટ પર લગાવી રોક
લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાનોની શહીદી બાદ સમગ્ર દેશમાં ચીન વિરુદ્વ આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળે લોકો ચીનના સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનની આર્થિક કમર તોડવા માટે હવે મહારાષ્ટ્ર સરકાર એ પણ ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ પર હાલ રોક લગાવી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે માત્ર કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા આવ્યા બાદ જ આ અંગે કોઇ નિર્ણય લઇ શકાશે.
મહારાષ્ટ્ર સરકારે જે પ્રોજેક્ટ પર રોક લગાવી છે તેમાં પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વ્હીકલની મોટી ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંદાજે 3500 હજાર કરોડ રૂપિયાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારે 12 MoU પર હસ્તાક્ષર કર્યા હતા. તમામ 3 ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ પર રોક લગાવાઇ છે જ્યારે 9 પ્રોજેક્ટનું કામ ચાલુ રહેશે.
અગાઉ BSNL એ પણ ચીનને ઝટકો આપતા તેની 4જી અપગ્રેડ સુવિધામાં ચીની ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. BSNLએ આ સંબંધમાં પોતાના ટેન્ડર પર ફરીથી કામ કરવા માટે કહ્યું છે.
ભારતીય રેલવેએ પણ ચીનમાં બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનની કેટલીક કંપનીઓ સાથેની સમજૂતી પણ રદ કરવામાં આવી છે. હવે સરકાર સ્થાનિક કંપનીઓની નિકાસ વધારવા માટે પ્રયત્નરત છે. સરકાર સ્થાનિક ઉત્પાદનોની નિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહી છે.
(સંકેત)