- લદ્દાખના ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થઇ હતી હિંસક અથડામણ
- ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબૂ આ અથડામણમાં થયા હતા શહીદ
- તેમના પત્ની સંતોષીની તેલંગાણા સરકારમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ
લદ્દાખના ગલવાનમાં ભારતીય અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક અથડામણમાં વીરગતિ પ્રાપ્ત કરેલા ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબૂની પત્ની સંતોષીને તેલંગાણા સરકારે ડેપ્યુટી કલેક્ટરના પદે નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે સંતોષીને સરકારી નોકરી માટેનો નિયુક્તિ પત્ર સોંપ્યો હતો.
આપને જણાવી દઇએ કે હાલમાં શહીદ કર્નલ સંતોષ બાબૂની પત્ની તેમની 8 વર્ષની પુત્રી અને 3 વર્ષના પુત્ર સાથે દિલ્હીમાં રહે છે. આ પહેલા તેલંગાણા સરકારે કર્નલ સંતોષ બાબૂના પરિવારને 5 કરોડ રૂપિયાની સન્માન રકમ આપવાની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને જૂન માસમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. બીજી તરફ ચીનના પણ 43 સૈનિકો સહિત અધિકારી માર્યા ગયા હતા. ત્યારબાદથી ભારત અને ચીનના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે અને હાલમાં સમગ્ર ભારતમાં ચીનની વસ્તુઓના બોયકોટની ચળવળ જોર પકડી રહી છે.
(સંકેત)