Site icon hindi.revoi.in

વરિષ્ઠ પત્રકાર બ્રજેશ સિંહને પ્રતિષ્ઠિત ‘માલવીય પત્રકારિતા સમ્માન 2020 એવોર્ડ’ એનાયત કરાશે

Social Share

વર્ષ 2014થી ભારત રત્ન પંડિત મદનમોહન માલવીયના સન્માનમાં અને પત્રકારત્વ ક્ષેત્રે માલવીયજીના મૂલ્યોને સમર્પિત રહીને નોંધપાત્ર કામગીરી કરનારા પત્રકારોને ‘માલવીય પત્રકારિતા સમ્માન 2020 એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે BHUના પૂર્વ વિદ્યાર્થી, વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ 18 મીડિયા સમૂહના મેનેજીંગ એડિટર બ્રજેશ કુમાર સિંહને પ્રતિષ્ઠિત ‘માલવીય પત્રકારિતા સમ્માન 2020’ એનાયત કરવામાં આવશે.

પ્રશસ્તિ પત્ર આપીને કરાશે સન્માનિત

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ‘માલવીય પત્રકારિતા સમ્માન 2020’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં સમારોહ યોજાઇ શકે છે. સમારોહ દરમિયાન પુરસ્કારના રૂપમાં એક લાખ રૂપિયાની ધન રાશિનો ચેક, પ્રશસ્તિ પત્ર તેમજ શાલ આપીને તેમને સન્માનિત કરવામાં આવશે.

પત્રકારત્વ ક્ષેત્રે 25 વર્ષનો બહોળો અનુભવ

બ્રૉડકાસ્ટ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા બ્રજેશ કુમાર સિંહ હાલમાં ન્યૂઝ 18 મીડિયા સમૂહના મેનેજીંગ એડિટર તરીકે કાર્યરત છે. તેઓ ન્યૂઝ 18 મીડિયા સમૂહ પહેલા એબીપી ન્યૂઝ, ઝી ન્યૂઝ, આજતક, અમર ઉજાલા જેવા મીડિયા સમૂહમાં વિવિધ પદો પર કાર્યરત રહીને ફરજ બજાવી ચૂક્યા છે.

તેમની કારકિર્દી વિશે

દેશની પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થા IIMCની વર્ષ 1996ની બેચના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા બ્રજેશ કુમાર સિંહે પોતાની પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત વર્ષ 1966માં હિંદી દૈનિક અમર ઉજાલાથી કરી હતી. અમર ઉજાલામાં રિપોર્ટર અને સબ એડિટર તરીકે કાર્યરત રહ્યા બાદ તેઓ વર્ષ 1998માં ઝી ન્યૂઝમાં જોડાયા હતા. વર્ષ 1999માં ઝી ન્યૂઝનું અમદાવાદ બ્યૂરો સ્થાપિત થયું ત્યાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ બાદ તેઓ ઝી ગુજરાતીમાં ત્રણ વર્ષ સુધી કાર્યરત રહ્યા છે. તેમણે વર્ષ 2001માં આવેલા કચ્છ ભૂકંપ, વર્ષ 1999ની લોકસભા ચૂંટણી અને ગુજરાતની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનું બહોળું કવરેજ કર્યું હતું.

આ બાદ તેઓ વર્ષ 2001માં હિંદી ન્યૂઝ ચેનલ આજતકમાં પત્રકાર તરીકે 7 મહિના ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ વર્ષ 2001માં તેઓએ ફરીથી ઝી ન્યૂઝ મીડિયા સમૂહ જોઇન કર્યું અને ત્યારબાદ તેઓએ વર્ષ 2002-2017 દરમિયાન એબીપી ન્યૂઝ નેટવર્ક અને વર્ષ 2017-19 દરમિયાન ઝી ન્યૂઝ મીડિયામાં ગ્રૂપ એડિટર તરીકે કાર્યરત રહ્યા. હાલમાં નેટવર્ક 18 ગ્રૂપના મેનેજીંગ એડિટર તરીકે કાર્યરત છે.

GMCના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે કાર્યરત

તેઓ ગુજરાત મીડિયા ક્લબ (GMC)ના પૂર્વ અધ્યક્ષ અને ક્લબના ફાઉન્ડર સેક્રેટરી જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત મીડિયા ક્લબના પ્રથમ સેક્રેટરી જનરલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને ફાઉન્ડર મેમ્બર પણ છે. તે ઉપરાંત તેઓ બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિએશન (BEA), એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા, પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા જેવી વિવિધ સંસ્થાનોના સભ્ય પણ છે.

તેમના અભ્યાસ વિશે

વર્ષ 1995માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સમાં સ્નાતક કર્યું છે અને વર્ષ 2012માં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદથી પીએચડી કર્યું છે.

‘માલવીય પત્રકારિતા સમ્માન 2020 એવોર્ડ’ વિશે

નિષ્પક્ષ પત્રકારત્વ અને રાષ્ટ્રવાદી વિચારો અને મૂલ્યોને હરહંમેશ સમર્પિત રહેનારા ભારત રત્ન પંડિત મદનમોહન માલવીયનું પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન રહ્યું છે ત્યારે તેમના આ જ રાષ્ટ્રવાદી મૂલ્યો, વિચારધારા અને નિષ્પક્ષ પત્રકારત્વને આગળ વધારનારા અને પ્રોત્સાહિત કરનારા અને સાથોસાથ આ દિશામાં કામ કરનારા પત્રકારોને વર્ષ 2014થી 1 લાખ રૂપિયાની ધનરાશિ, પ્રશસ્તિ પત્ર આપીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

(સંકેત)

 

Exit mobile version