Site icon hindi.revoi.in

ગોડ્ડાથી ગ્વાલિયર પરીક્ષા આપવા આવેલા કપલને અદાણી ફાઉન્ડેશને કરી મદદ, વતન પરત જવા આપી ફ્લાઈટની ટિકિટ

Social Share
સંકેત.મહેતા

દાંપત્યજીવન એટલે એકબીજા માટે કંઇપણ કરી છૂટવાની લાગણી અને ધગશ. એકબીજાના સપનાઓ કે મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓ સામે પણ લડી લેવાની પ્રતિબદ્વતા એટલે દાંપત્યજીવન. આવું જ એક દાંપત્યજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઝારખંડના એક દંપત્તિએ. ઝારખંડના એક યુવાને પોતાની ગર્ભવતી પત્ની પરીક્ષા આપી શકે તે માટે આશરે 1200 કિમીનું અંતર સ્કૂટી પર કાપ્યું હતું. પત્નીની કારકિર્દી માટેની તેમના પતિની ધગશ અને લાગણી એ અન્ય દંપત્તિ માટે પણ પ્રેરણાદાયક બની હતી.

આ રીતે અપાવી પરીક્ષા

ઝારખંડના ધનંજય હેમ્બરમ નામના યુવાને ગોડ્ડાથી ગ્વાલિયર સુધી ઉબડખાબડ અને દુર્ગમ રસ્તાઓ પર જીવના જોખમે 1200 કિમી સુધી સ્કૂટી ચલાવીને પોતાની ગર્ભવતી પત્ની સોની હેમ્બરમને પરીક્ષા કેન્દ્ર પર લઇ જવાનું સાહસ દાખવ્યું હતું. સોનીને ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશનની પરીક્ષા આપવાની હતી. આ ઘટના વિશે જાણીને ખુદ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ બહેન અદાણી પણ પ્રભાવિત થયા હતા. ગોડ્ડામાં અદાણી ગ્રૂપનો પ્રોજેક્ટ ચાલે છે ત્યાંથી અદાણી ગ્રૂપના કર્મીઓ મારફતે ગ્વાલિયરના ધનંજયનો સંપર્ક કર્યો હતો.

અદાણી ફાઉન્ડેશને ફ્લાઇટ ટિકિટ આપી

અદાણી ફાઉન્ડેશનનાં ડો. પ્રીતિબેન અદાણીએ આ દંપત્તિ હવે સ્કૂટી નહીં પરંતુ ફ્લાઇટ દ્વારા પોતાનાં વતન પરત ફરે તેવી વ્યવસ્થા કરી આપી છે. ગોડ્ડાની નજીક રાચી એરપોર્ટ હોય તેમને ગ્વાલિયરથી વિમાનમાં રાંચી લાવવામાં આવશે અને ત્યાંથી વિશેષ કારમાં ગોડ્ડા પહોંચાડવામાં આવશે. આ માટેની ફ્લાઇટની એર ટિકિટ પણ ધનજંયને પહોંચાડી દેવામાં આવી છે. આગામી 16મી સપ્ટેમ્બરના રોજ તે પોતાની પત્ની સાથે વિમાન માર્ગે ગ્વાલિયરથી રાંચી પહોંચશે.

ધનંજય જે સ્કૂટી પર ગર્ભવતી પત્નીને લઇને 1200 કિમી દૂર ગયો હતો એ સ્કૂટીને પણ  રેલવે પાર્સલ મારફતે ગ્વાલિયરથી ગોડ્ડા પહોંચાડવાની ખાસ વ્યવસ્થા પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.

આ દંપતી સારી રીતે પોતાના વતન પહોંચી જાય તેની પૂરી તકેદારી ડો. પ્રીતિબહેન અદાણી લઇ રહ્યાં છે. ગ્વાલિયરથી આ દંપતીને પરત મોકલવામાં ધનંજયની ગર્ભવતી પત્નીના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમનું યોગ્ય તબીબી ચેકિંગ પણ કરાયું છે. એ બંનેના કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમેન હવાઇ માર્ગે મોકલવાની સઘળી વ્યવસ્થા કરાઇ છે.

મહત્વનું છે કે, ધનંજયને પોતાની ગર્ભવતી પત્નીને લઇને ગોડ્ડાથી ગ્વાલિયર સુધીનું 1200 કિમીનું અંત કાપતાં ત્રણ દિવસ લાગ્યા હતા. માર્ગમાં તેણે પૂર સહિતની તકલીફોનો સામનો કર્યો હતો પરંતુ તેમ છતાં તે ડગ્યો ન હતો. તેમના માર્ગમાં અનેક વિષમ પરિસ્થિતિઓ આવી હતી પરંતુ આ દરેક પડકારોને મ્હાત આપીને તે પત્નીને લઇને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા.

Exit mobile version