Site icon hindi.revoi.in

લકવાગ્રસ્ત શરીરને કારણે ચાલી નથી શકતા પરંતુ દૃઢ મનોબળથી 69 વર્ષની વયે પણ રાજપ્પન તળાવમાંથી કચરો સાફ કરે છે

Social Share

કહેવાય છે કે “જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ’, પરંતુ સ્વચ્છતા પ્રત્યે ભારતના લોકોમાં હજુ પણ એટલી જાગરુકતા જોવા મળતી નથી. ભારતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ લોકો પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરીને તેને રસ્તામાં, નદીમાં, તળાવમાં ફેંકી દેતા હોય છે. સ્વચ્છતાને બદલે આ લોકો ગંદકી વધુ ફેલાવે છે અને પર્યાવરણને પણ વધુ પ્રદૂષિત કરે છે.

જો કે આ બધા વચ્ચે પણ કેટલાક લોકો એવા પણ છે જેના માટે પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન એ એક માત્ર સંકલ્પ બની જતો હોય છે. તેઓ માટે સ્વચ્છતા જ સર્વસ્વ બની જાય છે. આવા જ એક વ્યક્તિ છે કેરળના એન.એસ.રાજપ્પન. કેરળના કોટ્ટયમ જીલ્લાના રહેવાસી એન.એસ.રાજપ્પન છેલ્લા 5 વર્ષોથી વેમ્બનાડ તળાવમાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરે છે.

5 વર્ષની વયે થયો પોલિયો, લકવાગ્રસ્ત શરીર છત્તાં સ્વચ્છતાનું બિડુ ઝડપ્યું

69 વર્ષની ઉંમરે જ્યારે મોટા ભાગના વૃદ્વ નાગરિકો ઘરમાં આરામ કરવાનું પસંદ કરે છે ત્યારે આ ઉંમરે રાજપ્પને સ્વચ્છતાનું બિડુ ઝડપ્યું છે. જો કે અહીંયા હૃદયસ્પર્શી વાત એ છે કે રાજપ્પન માત્ર 5 વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓને પોલિયો થઇ ગયો હતો. તેઓના ઘૂંટણથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત છે, જેને કારણે તેઓ ચાલી નથી શકતા.

હું આ તળાવને મૃત થતું ના જોઇ શકું એટલે પ્લાસ્ટિક કરું છું એકત્ર

રાજપ્પન માત્ર પોતાના હાથના સહારે આગળ વધે છે અને એક હોડીમાં બેસીને તળાવમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરે છે. રાજપ્પનના મતે તેઓ તળાવને મૃત થતા જોઇ ના શકે કે જેને જોઇને તેઓ મોટા થયા છે. તેઓ કહે છે કે, “તેઓ ચાલી નથી શકતા માટે કોઇ બીજી નોકરી મળે તે મુશ્કેલ છે. અહીંયા એક કિલો પ્લાસ્ટિક સાફ કરવાના બદલામાં 12 રૂપિયા મળે છે.”

આ રીતે તળાવમાંથી પ્લાસ્ટિક એકત્ર કરીને રાખે છે તેને રાખે છે સ્વચ્છ

જો કે, આ મામૂલી રકમથી તેમનું ગુજરાન અશક્ય છે પરંતુ તેમના આ કાર્યથી તળાવ તો સ્વચ્છ રહે છે. રાજપ્પનએ પ્લાસ્ટિક એકત્ર કરવા માટે એક નાની હોડી ભાડે લીધી છે અને એક ચપ્પૂની મદદથી તેને ચલાવે છે. તળાવમાં લોકો દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને તેઓ પ્રતિદીન એકત્ર કરે છે.

રાજપ્પન છે આત્મનિર્ભર, દરેક કામ જાતે જ કરે છે

રાજપ્પન એક નાનકડાં ઘરમાં વસવાટ કરે છે અને ત્યાં બાજુમાં જ તેમની બહેનનું ઘર છે. તેમની બહેન તેમને ભોજન આપી જાય છે. તેમની બહેનનું કહેવું છે કે તેઓ ભોજન સિવાય કોઇ વસ્તુ માટે તેમની ઉપર નિર્ભર નથી. તેઓ આત્મનિર્ભર બનીને તેમના દરેક કામ ખુદ કરે છે અને પોતે જ પોતાનું ગુજરાન ચલાવે છે.

પૂરથી ઘર થયું ધ્વસ્ત, આવક થઇ ઓછી પરંતુ તળાવની સ્વચ્છતામાં જ મળી ખુશી

વર્ષ 2018માં આવેલા પૂર દરમિયાન રાજપ્પનનું ઘર સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગયું હતું. જો કે, તેમ છત્તાં તેઓએ કોઇની મદદ માંગી નહોતી. અનેક સપ્તાહ સુધી હોડીમાં જ રહ્યા. તેમના ઘરની છત થોડી સારી છે પરંતુ સંપૂર્ણ ઘર ખૂબ જ ખરાબ છે. છેલ્લા કેટલાક મહિનાથી તળાવમાં કચરો ઓછો થયો છે તેનાથી તેમની આવક પર અસર થઇ છે. પરંતુ તેનાથી તળાવ સ્વચ્છ રહે છે તેની તેઓને ખૂબ જ ખુશી છે.

આ રીતે રાજપ્પન લોકો માટે બન્યા પ્રેરણા દાયક

કોટ્ટયમમાં રહેતા ફોટોગ્રાફર નંદૂ કે એસના માધ્યમથી રાજપ્પન વિશે ખબર પડી છે. હકીકતમાં નંદૂ કે એકસ એકવાર પોતાના પોર્ટફોલિયો માટે તળાવના ફોટો પાડવા ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત રાજપ્પન સાથે થઇ અને તેમના વિશે જાણવા મળ્યું.

નંદૂએ તેમની વાત એક વીડિયોના માધ્યમથી સોશિયલ મીડિયામાં શેર કરી અને થોડીક જ ક્ષણોમાં રાજપ્પનની આ સ્ટોરી ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ. લોકો પણ તેમના પ્રભાવિત થઇને તેમને રીયલ લાઇફ હીરોથી સંબોધિત કરવા માંડ્યા.

અભિનેતા રણદીપ હુડ્ડાએ પણ તેમને કરી સલામ

અભિનેતા રણદીપ હુડ્ડા પણ તેમના આ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા અને લખ્યું કે, “કોઇ વ્યક્તિ પોતાનો દેશપ્રેમ કઇ રીતે દર્શાવી શકે તે માટેનું આ એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. પ્રેમ માત્ર કાર્ય કરવાથી જ જોઇ શકાય છે, માત્ર શબ્દો કે સોશિયલ મીડિયાથી પ્રેમ નથી જોઇ શકાતો. રાજપ્પન જીને સલામ. દેશભક્તિનો વાસ્તવિક ચહેરો”

નોંધનીય છે કે, મોટા ભાગના લોકો મોટી ઉંમરે જ્યારે માત્ર ઘરમાં જ રહેવાનું ઉચિત સમજે છે ત્યારે પણ 69 વર્ષની ઉંમરે લકવાગ્રસ્ત શરીર અને અનેક વિષમ પરિસ્થિતિઓ છત્તાં પોતાની સંકલ્પશક્તિ અને દ્રઢ નિર્ધારના સહારે રાજપ્પન જેવા લોકો તળાવને સ્વચ્છ રાખને પર્યાવરણનું ખરા અર્થમાં સંવર્ધન કરે છે જે દેશના અનેક લોકો માટે પ્રેરણા દાયક છે.

(સંકેત)

 

Exit mobile version