Site icon hindi.revoi.in

સરકારે કોરોનાની રસી વિતરણનો બનાવ્યો પ્લાન, 30 કરોડ લોકોની કરી ઓળખ

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોના માટે અનેક રસી પર પરીક્ષણ ચાલી રહ્યું છે અને અનેક રસીની ટ્રાયલ પણ ચાલી રહી છે ત્યારે ભારત સરકારે રસીના વિતરણ અંગેની યોજના પર કામ શરૂ કરી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારે એવા 30 કરોડ લોકોની ઓળખ કરી છે કે જેમની રસી આપવામાં પ્રાથમિકતા અપાશે. તેમાં હાઇ રિસ્ક શ્રેણીમાં આવતા સામાન્ય નાગરિકો ઉપરાંત, આરોગ્યકર્મીઓ, પોલીસ કર્મીઓ, સેનિટેશન વર્કર તેમજ કો-મોર્બિડિટી ધરાવતા સિનીયર સિટીઝન્સનો સમાવેશ થાય છે. આ લોકો માટે 60 કરોડ ડોઝનું વિતરણ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ, વેક્સિનના ઉપયોગને જેવી મંજૂરી મળી જાય કે પહેલા તબક્કામાં તેના શોટ્સ અપાશે અને તેમાં બૂસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. આ યાદી ચાર શ્રેણીમાં વિભાજીત છે. જેમાં 50-70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, બે કરોડ ફ્રંટલાઇન વર્કર્સ, 50 વર્ષથી વધુ વય ધરાવતા 26 કરોડ લોકો તેમજ 50 વર્ષથી ઓછી વય હોય પરંતુ કો-મોર્બિડિટી ધરાવતા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે ભારતમાં હાલ ત્રણ વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા સૌથી એડવાન્સ એવા ત્રીજા તબક્કામાં પહોંચી ગઇ છે. દેશમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેનું પરીક્ષણ થઇ રહ્યું છે.

વેક્સિન એડમિનિસ્ટ્રેશનનું નેશનલ એક્સપર્ટ ગ્રૂપ તેની અમલવારીનું આયોજન કરી રહ્યું છે. આ ગ્રૂપની આગેવાની નીતિ આયોગના સભ્ય ડૉ.વી કે પોલ અને હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ કરી રહ્યા છે. સરકાર પ્રથમ તબક્કામાં 23 ટકા વસતીને રસી આપી દેવાની યોજના ધરાવે છે.

(સંકેત)

Exit mobile version