- ચીનને મ્હાત આપવા માટે ભારતીય લશ્કર ભાવિની રણનીતિ ઘડી રહ્યું છે
- ભારતીય લશ્કર રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લશ્કરમાં સમાવી શકે છે
- ભારતીય લશ્કર અત્યાધુનિક ટેક્નોલોજી અંગે કરી રહ્યું છે અભ્યાસ
ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં હાલમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભારત પોતાની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. તાજેતરમાં જ ભારતે ફ્રાન્સ પાસેથી પાંચ રાફેલ લડાકૂ વિમાન મેળવ્યા હતા. જો કે ચીન પાસે પણ સૈન્ય ક્ષમતા મજબૂત હોવાથી ભારત વર્તમાનની સાથોસાથ ભાવિને ધ્યાનમાં રાખીને પણ યુદ્વની રણનીતિ ઘડી રહ્યું છે. લશ્કર હાલમાં અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પણ અભ્યાસ કરી રહ્યું છે.
ભારતીય સૈન્ય જે રણનીતિ ઘડી રહ્યું છે તે મુખ્યત્વે રોબોટિક્સ અને AI આધારિત વધુ રહેશે. તેમાં ડ્રોન સ્વાર્મથી લઇને રોબોટિક્સ, લેઝર, એલ્ગોરિધમિક વોરફેરનો સમાવેશ થાય છે. લશ્કર આ ટેક્નોલોજી પર અભ્યાસ હાથ ધરશે. આ અભ્યાસનો ઉદ્દેશ લશ્કરની પરંપરાગત યુદ્વ ક્ષમતાને મજબૂત કરવાની સાથે તેને ‘નોન-કાઇનેટિક’ તેમજ ‘નોન-કોમ્બેટ’ વોરફેર માટે પણ તૈયાર કરવાનો છે.
લશ્કરના ટેક્નોલોજીને લગતા અભ્યાસને એક આર્મી કમાન્ડર લીડ કરી રહ્યા છે. આ અભ્યાસમાં આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, રિમોટલી-પાઇલટેડ એરિયલ સિસ્ટમ્સ, ડ્રોન સ્વાર્મ્સ, બિગ ડેટા એનાલિસિસ, બ્લોકચેન ટેકનિક, એલ્ગોરિધમિક વોરફેર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, વર્ચ્યુઅલ રિઆલિટી, ઓગમેન્ટેડ રિઆલિટી, હાઇપરસોનિક એનેબલ લોન્ગ રેન્જ પ્રિસિઝન ફાયરિંગ સિસ્ટમ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, બાયોમટિરિયલ ઇન્ફ્યુઝડ ઇનવિઝિબિલિટી ક્લોક્સ, એક્ઝોસ્કેલેટન સિસ્ટમ્સ, લિક્વિડ આર્મર, ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ, ડાયરેક્ટેડ-એનર્જી વેપન્સ જેવી ટેક્નોલોજી પર રિસર્ચ થશે.
વર્તમાન સમયમાં ભારતીય લશ્કર પાસે જે શસ્ત્ર સરંજામ છે તેમાં પણ ટેક્નોલોજી છે પણ તેને વધુ અપગ્રેડ કરવાની આવશ્યકતા હોવાથી ભવિષ્યમાં જે પણ શસ્ત્રોની ખરીદી કરવામાં આવે તે ખાસ કરીને ટેક્નોલોજી બેઝ્ડ હોય અથવા તેમાં ઉપર દર્શાવેલી ટેક્નોલોજીનો સમાવેશ થતો હોય તે આવશ્યક છે. ભારતીય લશ્કરમાં ટેક્નોલોજીને સમાવિષ્ટ કરવાથી નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે.
(સંકેત)