
- લદ્દાખમાં હવે સરહદી વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક વધુ મજબૂત બનશે
- સરકાર લદ્દાખમાં હવે 134 ડિજીટલ સેટેલાઇટ ફોન ટર્મિનલ સ્થપાશે
- તેનાથી નેટવર્કની સમસ્યા પણ દૂર થશે
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ભારતીય લશ્કર ચીનની દરેક ચાલને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે. ચીન કોઇપણ ચાલાકી કરે તો તેને યોગ્ય સબક શીખવવા માટે ભારતે વ્યૂહાત્મક તૈયારી હાથ ધરી છે. ભારત હવે લદ્દાખના સરહદના તમામ વિસ્તારોમાં સંચાર સેવાને વધુ મજબૂત કરવામાં લાગી ગયું છે. ભારત દ્વારા તૈયારી લશ્કરના અભિયાનની જેમ હાથ ધરાઇ છે.
લદ્દાખના સરહદી ગામોમાં સંચાર સંપર્કને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે એક અસરકારક પ્લાન ઘડ્યો છે. સરકારની લદ્દાખમાં 134 ડિજીટલ સેટેલાઇટ ફોન ટર્મિનલ સ્થાપવાની યોજના છે. લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કુનચોક સ્ટાંઝીએ જણાવ્યું કે લદ્દાખના 57 ગામોમાં ઝડપથી સંચાર વ્યવસ્થાને મજબૂત કરાશે. આ તૈયારી છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહી હતી. કુનચોક સ્ટાંઝીના મતે લેહમાં 24 મોબાઇલ ટાવરને મંજૂરી મળી ગઇ છે, પરંતુ વધુ 25 ટાવરની આવશ્યકતા છે.
સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી સુધારવા પાછળ રૂ. 366.89 કરોડનો ખર્ચ કરાશે. લદ્દાખમાં સંચાર વ્યવસ્થા મજબૂત કરવા રૂ. 57.4 કરોડનો ખર્ચ થશે. આ વ્યવસ્થાથી જમ્મુ-કાશ્મીરના કેટલાક ગામોમાં પણ લોકોને ફોનની સેવાનો લાભ મળી શકશે. લદ્દાખમાં જે મહત્વના વિસ્તારોમાં ફોન કનેક્શન મળશે, તેમાં ગલવાન વેલી, દૌલત બેગ ઓલ્ડી, હોટ સ્પ્રિંગ, ચુશૂલનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારો લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ની નજીક આવેલા છે. ગલવાન વેલીમાં ચીન સાથે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. દૌલત બેગ ઓલ્ડી ભારતની લશ્કરી છાવણી છે અને અહીં સંચાર વ્યવસ્થાને મજબૂત કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી.
નોંધનીય છે કે ચીને તેના સરહદી વિસ્તારોમાં ફોન નેટવર્કનો વ્યાપ વધાર્યો છે ત્યારે હવે ભારતે પણ આ દિશામાં કામ શરૂ કર્યું છે. બોર્ડર નજીકના ગામોમાં હજુ પણ નેટવર્કની સમસ્યા છે ત્યારે લોકો એકબીજા સાથે સંપર્ક સાધી શકે તે માટે મોબાઇલ નેટવર્ક મજબૂત થાય તેવી આવશ્યકતા હતી. હવે મોબાઇલ નેટવર્ક મજબૂત કરાતા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાશે તેવી આશા છે.
(સંકેત)