1. Home
  2. revoinews
  3. ભારત-રશિયા વચ્ચે મહત્વની સમજૂતી, આ સમજૂતીથી ડ્રેગન પણ ફફડી ઉઠશે
ભારત-રશિયા વચ્ચે મહત્વની સમજૂતી, આ સમજૂતીથી ડ્રેગન પણ ફફડી ઉઠશે

ભારત-રશિયા વચ્ચે મહત્વની સમજૂતી, આ સમજૂતીથી ડ્રેગન પણ ફફડી ઉઠશે

0
  • રશિયાપાસેથી 33 એરક્રાફ્ટ અધિગ્રહણને મંજૂરી
  • DRDO દ્વારા નિર્માણ પામેલ મિસાઇલને લીલી ઝંડી
  • કુલ 38,900 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ચીનને દરેક મોરચે જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે બાયો ચડાવી છે. ભારતે થોડાક સમય પહેલા જ ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકીને તેને ફટકો આપ્યો હતો. ભારત ચીન સામેની તેની સૈન્ય તાકાત અને સામર્થ્યને પણ વધુ પ્રબળ કરી રહ્યું છે. ભારત હવે રશિયા પાસેથી કેટલાક હથિયારો ખરીદશે. ભારત રશિયા પાસેથી ફાઇટર જેટ ખરીદશે.

ભારતના રક્ષા મંત્રાલયે હજારો કરોડ રૂપિયાના નવા હથિયારોના અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે. ભારત રશિયા પાસેથી 33 નવા એરક્રાફ્ટ ખરીદશે જેમાં 12 નવા Su-30MKI અને 21 MiG-29નો સમાવેશ થાય છે. આ સિવાય 59 વર્તમાન MiG-29 એરક્રાફ્ટનું અપગ્રેડેશન કરવામાં આવશે. આ એરક્રાફ્ટ અને અપગ્રેડેશનમાં 18,148 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

તે ઉપરાંત રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના અને નૌસેના માટે 248 એકસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુઅલ રેંજની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલના અધિગ્રહણની પણ મંજૂરી આપી છે. DRDO દ્વારા નિર્માણ પામેલ એક નવી 1000 કિમીની સ્ટ્રાઇક રેંજ લેન્ડ અટેક ક્રૂઝ મિસાઇલના ડિઝાઇન અને વિકાસને પણ લીલી ઝંડી અપાઇ છે.

રક્ષા મંત્રાલયની કાઉન્સિલ દ્વારા કુલ 38, 900 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં 31,130 કરોડ રૂપિયાનું અધિગ્રહણ ભારતીય ઉદ્યોગથી જ થશે. આ સિવાય પિનાકા રોકેટ લોન્ચર માટે દારૂગોળો ખરીદવા, BMP કોમ્બેટ વ્હિકલને અપગ્રેડ કરવાને મંજૂરી આપવામાં આવી છે. આર્મી માટે સોફ્ટવેર પરિભાષિત રેડિયો પણ ખરીદવામાં આવશે. 

મહત્વનું છે કે, ભારત સરકાર વિવિધ દેશો પાસેથી વિવિધ આધુનિક હથિયારો ખરીદીને ભારતીય સૈન્યનું સામર્થ્ય વધારી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારત સરકાર ચીનની આર્થિક કમર ભાંગવા માટે ચીનની વસ્તુઓના આયાત પર પ્રતિબંધ સહિતના પગલાં લઇ રહી છે. ભારત હવે દરેક મોરચે ચીનને પાડવા માટે અનેકવિધ રણનીતિ ઘડી રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.