Site icon Revoi.in

ભારતની સૈન્ય ક્ષમતા વધશે, અમેરિકા સાથે ભારત કરશે આ ડિફેન્સ ડીલ

Social Share

ચીન સાથે સરહદ પર તણાવને જોતા ભારત હવે તેની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ જ કારણોસર ભારત સતત સંરક્ષણ સોદાઓ કરી રહ્યું છે. હવે ભારત અમેરિકા પાસેથી 6 પોસાઇડન એરક્રાફ્ટની ખરીદી કરવાની તૈયારીમાં છે. ભારતે અમેરિકા પાસેથી પ્રીડેટર-બી આર્મ્ડ ડ્રોન્સની ખરીદી પણ ઝડપી બનાવી છે.

પોસાઇડન એરક્રાફ્ટની ખાસિયત વિશે વાત કરીએ તો આ એરક્રાફ્ટમાં રડારથી લઇને ઇલેક્ટ્રોઓપ્ટિક સેન્સર્સ લાગેલા હોય છે. તે ઉપરાંત હારપૂન બ્લોક-2 અને એમકે-54 લાઇટવેટ ટોરપીડોથી તે સજ્જ છે. પોસાઇડન એરક્રાફ્ટનો ઉપયોગ હાલ હિંદ મહાસાગર ઉપરાંત પૂર્વ લદ્દાખમાં પણ સર્વેલન્સ મિશન માટે કરવામાં આવે છે.

જાન્યુઆરી 2009માં 2.1 અબજ ડોલરનો સોદો થયો હતો. P-8I એરક્રાફ્ટને બોઇંગ બનાવે છે. આગામી 4 ડિસેમ્બરથી P-8I ડિલીવર થવાનું શરૂ થઇ જશે. તેના માટે વર્ષ 2016માં અલગથી 1.1 અબજ ડોલરનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો.

અંદાજે 1.8 અબજ ડોલરમાં વધુ 6 P-8Is માટે ‘લેટર ઓફ રિક્વેસ્ટ’ રજૂ કરી દીધો છે. આ સોદો પેંટાગનના ફોરેન મિલિટ્રી સેલ્સ પ્રોગ્રામની અંતર્ગત હશે. અમેરિકા કોંગ્રેસના અપ્રૂવલ બાદ ‘લેટર ઓફ એક્સેપ્ટેંસ’ મોકલશે. સોદો આવતા વર્ષની શરૂઆત સુધીમાં થવાની આશા છે.

મહત્વનું છે કે, ભારતનું રક્ષા બજેટ 71.1 અબજ ડોલર સાથે વિશ્વમાં ત્રીજા નંબર પર છે. ટોચના 5 દેશોની યાદીમાં પ્રથમ નંબરે અમેરિકા, દ્વિતીય ક્રમે ચીન અને ત્યારબાદ અનુક્રમે ભારત, રશિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.

(સંકેત)