Site icon hindi.revoi.in

Paris Peace Forum: આતંકવાદ વિરુદ્વની લડતમાં ફ્રાન્સને ભારતનું સમર્થન

Social Share

નવી દિલ્હી: છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં આતંકવાદની 2 ઘટનાઓ ઘટી છે. હાલમાં ફ્રાન્સ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે હવે ભારતે આતંકવાદ વિરુદ્વ ફ્રાન્સને મજબૂત સમર્થન આપવાની વાત ફરી દોહરાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્વની લડતમાં ભારત અને તેના મિત્ર ફ્રાન્સ અને અન્ય તમામ દેશોની સાથે છે. વાતો અને વિચારોથી અમે એક શાંતિ અને સૌહાર્દપૂર્ણ ભવિષ્ય જોઇએ છીએ. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આ પગલાંએ દર્શાવ્યું છે કે તેઓ વૈશ્વિક શાંતિ માટે કેટલા સમર્પિત છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારત આ ગ્લોબલ ગૂડમાં યોગદાન આપવા માટે સમર્પિત છે. આતંક વિરુદ્વની આ લડતમાં ભારતનું ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાને સંપૂર્ણ સમર્થન છે. આતંકને જડમૂળમાંથી ખતમ કરવા માટે હવે દુનિયાએ એક સાથે વિચારવા અને એક સાથે એક્શન લેવાની જરૂર છે. આપણા આ જ પગલાંથી દુનિયામાં શાંતિ કાયમ માટે પ્રસ્થાપિત થશે.

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, આતંકી ઘટનાઓ વચ્ચે પેરિસ પીસ ફોરમનું આયોજન એક મોટી ઘટના છે. સંકટના આ સમયમાં આ પ્રકારના આયોજનથી દુનિયામાં એક નવી આશાનો સંચાર થાય છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આતંકવાદ વિરુદ્વ જે બીડું ઉઠાવ્યું છે, ભારત તેમા સહભાગી થવા માટે સમગ્ર રીતે તૈયાર છે. પીએમ મોદીએ સંસ્કૃતનો એક મંત્ર अस्तो मा सद गमय બોલીને વિશ્વને શાંતિ પ્રત્યે ભારતનો નિશ્ચય પણ જણાવ્યો.

મહત્વનું છે કે, દુનિયામાં શાંતિ, સદ્ભાવનાને વધારવા માટે વર્ષ 2018માં ફ્રાન્સમાં આ ફોરમની સ્થાપના થઇ હતી. ત્યારથી દર વર્ષે આ ફોરમના બેનર હેઠળ વાર્ષિક કાર્યક્રમ થાય છે. જેમાં વિભિન્ન દેશોના અગ્રગણ્ય રાજનેતાઓ, NGO, સિવિલ સોસાયટીઓ સાથે જોડાયેલા લોકો ભાગ લે છે.

(સંકેત)

Exit mobile version