- ભારત માટે પ્રથમ ઓસ્કર જીતનાર કોસ્ટ્યૂમ ડિઝાઇનર ભાનૂ અથૈયાનું નિધન
- 91 વર્ષની વયે તેઓએ તેમના મુંબઇ સ્થિત નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ
- ભાનૂ અથૈયાને ફિલ્મ ‘ગાંધી’ માટે ઓસ્કરમાં બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો
મુંબઇ: ભારત માટે પ્રથમ ઓસ્કર જીતનાર ભારતીય કોસ્ટ્યૂમ ડિઝાઇનર ભાનૂ અથૈયાનું નિધન થયું છે. ભાનૂ અથૈયાએ ભારત માટે પ્રથમ અકાદમી અને ઓસ્કર એવોર્ડ જીત્યો હતો. તેઓએ 91 વર્ષની વયે મુંબઇ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધાં હતા. તેમની પુત્રીએ તેમના નિધનની જાણકારી આપી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા.
ભાનૂએ અનેક ફિલ્મોમાં કોસ્ટ્યૂમ ડિઝાઇનિંગ કરીને પોતાનું એક અલગ નામ બનાવ્યું હતું, તેમણે વર્ષ 1956માં ફિલ્મ CIDથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓને અસલી ઓળખ ફિલ્મ ગાંધીથી મળી હતી.
ગાંધી ફિલ્મ માટે મળ્યો હતો ઓસ્કર એવોર્ડ
વર્ષ 1983માં ભાનૂ અથૈયાના નિર્દેશક રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ માટે ઓસ્કરમાં બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનનો એવોર્ડ મળ્યો હતો. ભાનૂની કારકિર્દી વિશે વાત કરીએ તો તેમણે ગુરુ દત્ત, રાજ કપૂર, યશ ચોપડા અને આશુતોષ ગોવારિકર સહિત અનેક દિગ્ગજ નિર્દેશકો સાથે કામ કર્યું છે.
હોલિવૂડમાં પણ કલા કરી હતી પ્રદર્શિત
તેમની પ્રતિભા એટલી હતી કે તેમણે બોલિવૂડ ઉપરાંત હોલિવૂડમાં પણ પોતાની કલા પ્રદર્શિત કરેલી છે અને વિદેશી નિર્દેશકો સાથે પણ કામ કર્યું છે. એક કોસ્ટ્યૂમ ડિઝાઇનર તરીકે ભાનૂએ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓએ છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશ અને આમિર ખાનની ફિલ્મ લગાન માટે કામ કર્યું હતું.
(સંકેત)