Site icon hindi.revoi.in

લદાખ સરહદ વિવાદનો આવી શકે છે અંત, ભારત-ચીન વચ્ચે 3 સ્ટેપ પ્લાન પર સધાઇ સહમતિ: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં અનેક મહિનાઓથી ભારત અને ચીનની વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. જો કે હવે આ સરહદ વિવાદ દિવાળી પહેલા ઉકેલાઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ભારત અને ચીનની વચ્ચે લદાખના વિવાદાસ્પદ સ્થળોથી સેનાઓ હટાવવા એટલે કે ડિસએન્ગેજમેન્ટને લઇને સહમતિ સધાઇ છે. તે મુજબ બંને દેશોના સૈનિક એપ્રિલ-મે મહિનાવાળી જૂની યથાસ્થિતિ પર પરત ફરશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, લદ્દાખના ચુશૂલમાં 6 નવેમ્બરે ભારત-ચીનની સેનાઓની વચ્ચે થયેલી આઠમાં રાઉન્ડની મંત્રણા દરમિયાન ત્રણ ચરણના પ્લાન પર બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી હતી. પહેલા ચરણમાં પેન્ગોગ લેકના વિસ્તારને એક સપ્તાહમાં ખાલી કરવામાં આવશે. ટેન્ક અને સૈનિકોને પરત મોકલવામાં આવશે. બીજા ચરણમાં સેનાઓ પેન્ગોગ લેકની પાસેથી રોજ પોતાના 30 સૈનિકો હટાવશે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ચીની સેના ફિંગર 8ની પાસે પરત ફરશે. બીજી તરફ ભારતીય સેના પોતાની ધાન સિંહ થાપા પોસ્ટ પર પરત આવશે.

ત્રીજા ચરણની વાત કરીએ તો તેમાં ભારત અને ચીનની સેનાઓ પેન્ગોગ લેક વિસ્તારના દક્ષિણ ક્ષેત્રથી પોતાના સૈનિકોને હટાવશે. તેની સાથે જ ચુશૂલ, રેજાંગ લાની જે પહાડીઓ પર તણાવના સમયે કબજો કરવામાં આવ્યો હતો તેને પણ ખાલી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર બંને સેનાઓ નજર રાખશે.

નોંધનીય છે કે, હાલ પૂર્વ લદાખમાં ચોટીઓ પર ભારે હિમવર્ષા થઇ રહી છે. અંદાજે 15-16 હજારની ઊંચાઇ પર તાપમાન -45 ડિગ્રી સુધી જતું રહે છે, તેનાથી બંને દેશોના સૈનિકોની પરેશાની વધી શકે છે તેથી બંને દેશ સેનાઓ હટાવવા માટે તૈયાર થયા છે.

(સંકેત)

Exit mobile version