Site icon Revoi.in

દેશની વાયુસેનાનું સામર્થ્ય વધશે, નવેમ્બરમાં વધુ 3-4 લડાકૂ રાફેલ વિમાનો થશે સામેલ

Social Share

પેરિસ:  ચીન સાથે સરહદ પર ચાલી રહેલી તંગદીલી વચ્ચે ભારતીય વાયુ સેનાના સામર્થ્યમાં વધારો થવા જઇ રહ્યો છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હરિયાણાના અંબાલા સ્થિત વાયુસેનાની છાવણીમાં 3-4 લડાકૂ વિમાન પહોંચી જશે.

ભારત-ફ્રાંસ વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતી હેઠળ ફ્રાંસ તરફથી ભારત આવનારા લડાકૂ વિમાન રાફેલની આ બીજી ખેપ હશે. આ પહેલા 28 જુલાઇના દિવસે 5 રાફેલ વિમાનોની પહેલી ખેપ ભારત આવી હતી, જેને સત્તાવાર રીતે 10 સપ્ટેમ્બરનાં દિવસે વડાપ્રધાન મોદી દ્વારા હવાઇ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સરકારી સૂત્રોનુસાર રાફેલનાં 3 થી 4 વિમાનોની બીજી ખેપ ફ્રાંસથી નવેમ્બરનાં પ્રથમ સપ્તાહમાં ભારત પહોંચી રહી છે, તેના પહોંચતા પહેલા જ દેશમાં તે અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ લડાકૂ વિમાનોને સામેલ કરાયા બાદ પ્રવર્તમાન સ્થિતિમાં 8-9 લડાકૂ જેટ ભારતીય વાયુસેના પાસે આવી જશે. જેને આગામી કેટલાક દિવસોમાં ઓપરેશનલ કરી દેવામાં આવશે. આ પહેલા મળેલા રાફેલ લડાકૂ વિમાનોને લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે વાર્ષિક રૂટીન બેઠક હેઠળ આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ એર વાઇસ માર્શલ એન.તિવારીની અધ્યક્ષતામાં એક ટીમ આ સમયે પ્રોજેક્ટની સમીક્ષા માટે ફ્રાંસમાં છે, ભારતીય પાઇલોટ ફ્રાંસમાં તાલીમ લઇ રહ્યા છે, અને માર્ચ 2021 સુધી તાલીમના તબક્કાને પુરો કરી લેશે.

વાયુસેના દ્વારા રાફેલ વિમાનોને એક-એક સ્ક્વાડ્રન હરિયાણાની અંબાલા છાવણી અને પશ્વિમ બંગાળની હાશિમારામાં તૈનાત કરવામાં આવશે.

મહત્વનું છે કે, વર્ષ 2016ના સપ્ટેમ્બર માસમાં ભારતે ફ્રાંસ સરકાર અને દસોલ્ડ એવિએશનની સાથે 36 લડાકૂ વિમાનોને ખરીદવા માટે અંદાજે 59 હજાર કરોડ રૂપિયામાં કરાર કર્યા હતા. જેથી ભારત પોતાના દુશ્મનોને જોરદાર ટક્કર આપી શકે અને પોતાના સૈન્ય સામર્થ્યને વધારી શકે.

(સંકેત)