Site icon Revoi.in

હૈદરાબાદની વિદ્યાર્થીનીની આગવી કળા સૂઝ, 4042 ચોખાના દાણા પર લખી ભગવદ ગીતા

Social Share

કેટલાક વિદ્યાર્થીઓમાં કેટલીક અદ્દભુત અને અસાધારણ કળા હોય છે જે તેઓની કારીગરી કે કામથી પ્રતિત થતી હોય છે અને લોકો પણ આવી કળા જોઇને દંગ રહી જાય છે. આવી જ એક અદ્દભુત કળા દર્શાવી છે હૈદરાબાદની એક વિદ્યાર્થીનીએ. આ વિદ્યાર્થીનીએ ચોખાના દાણા પર ભગવદ ગીતા લખવાનો રેકોર્ડ બનાવ્યો છે.

વાત એમ છે કે, લોનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની રામગિરી સ્વરિકાએ ચોખાના 402 દાણા પર ભગવદ ગીતાના તમામ શ્લોક લખ્યા છે. આ માટે તેને 150 કલાકનો સમય લાગ્યો હતો. ચોખાના દાણા જેવી ટચૂકડી વસ્તુઓ પર ડ્રોઇંગ કે લખાણ લખવાની કળાને માઇક્રો આર્ટ કહે છે. અગાઉ પણ સ્વારિકાને તેની આ સિદ્વિ અને કળા માટે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.

આ અંગે વાત કરતા સ્વારિકાએ કહ્યું હતું કે, આ પહેલા મેં 2000 જેટલા આવા આર્ટ વર્ક બનાવ્યા છે. આ ભગવદ ગીતા પણ તેમા સામેલ થશે. મહત્વની વાત એ છે કે હું ચોખાના દાણા પર કશું લખતી વખતે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરતી નથી.

અગાઉ તેની સિદ્વિ વિશે વાત કરીએ તો તેણે નેશનલ લો ડે પર વાળ પર ભારતના બંધારણની પ્રસ્તાવના લખી બતાવી હતી. આ માટે પણ તેને સન્માનિત કરવામાં આવી હતી. માઇક્રો આર્ટની શરૂઆત તેણે ચોખાના દાણા પર ભગવાન ગણેશનું ચિત્ર બનાવીને કરી હતી.

મહત્વનું છે કે, સ્વારિકા લોનો અભ્યાસ કરીને ન્યાયાધીશ બનવા માંગે છે અને તેની આકાંક્ષા એવું કામ કરવાની છે જેનાથી મહિલાઓ પ્રેરિત થાય.

(સંકેત)