Site icon hindi.revoi.in

કોરોના પોઝિટિવટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી, રેડ ઝોનની બહાર

Social Share

નવી દિલ્હી: કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ સારી છે. કોરોના પોઝિટિવિટી રેટની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, કેરળ અને ગોવા સહિતના રાજ્યો હોટસ્પોટ સાબિત થઇ રહ્યા છે, કારણ કે અહીંનો પોઝિટિવિટી રેટ 10%થી લઇને 15%થી વધુ રહેતો હોય છે. આ ગણતરી પાછલા 2 પખવાડિયા (14 દિવસમાં) દરમિયાન સામે આવી જેમાં 26 ઓક્ટોબરથી 8 નવેમ્બર અને 8થી 21 નવેમ્બર દરમિયાન કરાયેલા ટેસ્ટ પરથી પોઝિટિવિ રેટ નક્કી કરાયો જેમાં ભારતનો કુલ પોઝિટિવિટી રેટ પહેલા 14 દિવસ દરમિયાન 4.3% અને બીજામાં 4.1% રહ્યો છે.

જ્યારે ગુજરાતમાં આ રેટ નેશનલ રેટ કરતા ઘણો નીચો છે. ઓક્ટોબર 26થી 8 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં પોઝિટિવિટી રેટ 1.9% જ્યારે બીજા પખવાડિયે (8થી 21 નવેમ્બર) 2.2% રહ્યો છે. દિવાળીના તહેવારોમાં લગભગ તમામ રાજ્યોમાં આ રેટ ઊંચો આવ્યો હતો.પોઝિટિવિટી રેટ ઊંચો જાય એનો અર્થ એ થાય છે કે કોરોનાના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેરળ, ગોવા અને પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં પાછલા મહિના કરતા કેસમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ તે રેડ ઝોનમાં છે. મહારાષ્ટ્રનો પોઝિટિવિટી રેટ 8 ટકા પર પહોંચ્યો છે જે રાજ્યમાં ઘણો સુધાર દર્શાવે છે.

પશ્વિમ બંગાળ અને છત્તીસગઢની વાત કરીએ તો કન્ફર્મ કેસની સંખ્યા ઘટી છે પરંતુ અહીં પોઝિટિવિટી રેટ 7-8 ટકા જેટલો છે. WHO અનુસાર જો 14 દિવસથી વધારે સમય સુધી પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધુ હોય તો રાજ્ય રેડ ઝોનમાં આવે છે.

પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને કર્ણાટકમાં સ્થિતિ સુધરી છે, અહીંયા પોઝિટિવિટી રેટ 4 ટકા કરતા નીચો રહ્યો છે. ગુજરાતમાં પણ પોઝિટિવિટી રેટ નીચો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંયા કેસમાં ઉછાળો આવતો તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

પોઝિટિવિટી રેટના આંકડા પર નજર કરીએ તો 8થી 21 નવેમ્બર દરમિયાન સૌથી વધુ પોઝિટિવિટી રેટ હિમાલચ પ્રદેશ (15.3%), દિલ્હી (12.8%), રાજસ્થાન (11.1%), હરિયાણા (10.5%), કેરળ (10%)માં છે. આ સિવાયના રાજ્યોની ટકાવારી 10 ટકા કરતાં ઓછી છે.

(સંકેત)

Exit mobile version