- દેશમાં સૌ કોઇ કોરોના વેક્સીનની કરી રહ્યું છે પ્રતિક્ષા
- આગામી વર્ષના માર્ચ સુધી કોઇ વેક્સીન આવી શકે છે
- સરકાર માત્ર પ્રાથમિકતાવાળા સમૂહનો જ વેક્સીન ખર્ચ ઉઠાવશે
નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સીનની સૌ કોઇ પ્રતિક્ષા કરી રહ્યા છે. સીરમ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા સહિત 3 અન્ય મળીને દેશમાં કુલ 6 કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી વર્ષે માર્ચ સુધીમાં કોઇ એક વેક્સીન આવી જશે. હાલમાં પીએમ મોદીએ વેક્સીનના ત્રણ પ્રમુખ દાવેદારો સાથે મળીને વેક્સીનની સમીક્ષા કરી હતી. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે સરકાર પ્રાથમિકતા ધરાવતા સમૂહોના જ વેક્સીનનો ખર્ચ ઉઠાવશે.
સૂત્રોનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે વિદેશોની તુલનાએ ભારતમાં વેક્સીનની કિંમત ઓછી હશે. સરકાર માત્ર પ્રાથમિક ધરાવતા સમૂહનો જ વેક્સીન ખર્ચ ઉઠાવશે. તે ઉપરાંત જેની સ્થિતિ વધુ ગંભીર હશે તેમજ જેનો ડેટા કોવિડ દર્દી તરીકે નોંધાયેલો હશે તેમના માટે વેક્સીન નિ:શુલ્ક રહેશે.
સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો છે કે દેશના વૈજ્ઞાનિક વેક્સીન વિકસિત કરવામાં સફળ રહેશે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોવિડ-19 વેક્સીન માટે લોકોએ હવે લાંબી પ્રતિક્ષા કરવી નહીં પડે. વેક્સીન હવે થોડાક સપ્તાહમાં તૈયાર થઇ શકે છે તેવો આશાવાદ ખુદ પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યો હતો.
(સંકેત)