- જુલાઇ 2021 સુધી ભારતમાં 25 કરોડ લોકોને કોરનાની રસી અપાશે
- કોરોનાની રસી માટે પ્રાથમિકતા વાળા જૂથની યાદી રાજ્યોને પૂરી પડાશે
- ઉચ્ચ સ્તરીય નિષ્ણાતોની ટીમ રસીના બધા પાસા પર વિચાર કરશે: ડૉ.હર્ષવર્ધન
નવી દિલ્હી: ભારતને કોરોનામુક્ત કરવા માટે જુલાઇ 2021 સુધીમાં 20 થી 25 કરોડ લોકોને કોરોનાની રસી દાયરામાં લાવવા માટે કોવિડ-19ના 40 થી 50 કરોડ ડોઝ મેળવાશે અને તેનો ઉપયોગ કરાશે. સાથે જ કોરોનાની રસી માટે પ્રાથમિક્તાવાળા વસતી જૂથની યાદી ઑક્ટોબરના અંત સુધીમાં રાજ્યોને પૂરી પાડવા માટે એક ફોર્મેટ તૈયાર કરાઇ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આ માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરીય નિષ્ણાતોની એક ટીમ રસીના બધા જ પાસાઓ પર વિચાર કરશે. મંત્રાલય એક ફોર્મેટ તૈયાર કરી રહ્યું છે, જેમાં રાજ્ય સરકારનો પ્રાથમિક્તા વાળા વસતી જૂથની યાદી સોંપવામાં આવશે.
અગ્રીમ મોરચાના સ્વાસ્થ્ય કર્મચારીઓની યાદીમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના ડૉક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કર્મચારી, આશા કાર્યકરો, નિરિક્ષણ અિધકારીઓ અને સંક્રમિત દર્દીઓની ઓળખ કરનારા, તેમની તપાસ કરનારા તથા તેમની સારવાર સંબંધિત અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કવાયત ઑક્ટોબરના અંત સુધીમાં પૂરી કરી લેવાશે અને રાજ્યોને આ અંગે દિશાનિર્દેશ અપાઇ રહ્યા છે કે તેઓ કોલ્ડ ચેઇન સ્ટોરેજ સુવિધાઓ અને અન્ય સંબંદ્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી પૂરી પાડે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર વ્યાપકપણે માનવ સંશાધન તૈયાર કરવા, તાલિમ આપવા, નિરીક્ષણ અને અન્ય વસ્તુઓ માટે પણ કામ કરી રહી છે. જુલાઇ 2021 સુધીમાં અંદાજે 20-25 કરોડ લોકો માટે કોરોનાની રસીના 40-50 કરોડ ડોઝ મેળવવા અને તેનો ઉપયોગ કરવાનો સરકારનો અંદાજ છે.
(સંકેત)