- કોરોના કાળ દરમિયાન લાગુ કરાયેલા લોકડાઉનથી વીજ માંગ ઘટી હતી
- આ કારણોસર વીજ વિતરણ કંપનીઓને ખોટ સહન કરવી પડી હતી
- વીજ વિતરણ કંપનીઓ માટે રાહત પેકેજ વધારીને રૂ.1.2 લાખ કરોડ કરાયું
કોરોનાના સંકટ દરમિયાન દેશની વીજ વિતરણ કંપનીઓ રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે વીજ વિતરણ કંપનીઓની માટે રાહત પેકેજ ચાલુ મહિને વધારીને રૂ.1.2 લાખ કરોડ કરવામાં આવશે. સરકારે ડિસ્કોમને માર્ચ સુધીના પોતાની બાકી દેવાની ચૂકવણી માટે રૂ.90 હજાર કરોડની સહાય પૂરી પાડી હતી. વીજ વિતરણ કંપનીઓને જૂન સુધી બાકી દેવાના આધારે ટૂંક સમયમાં રાહત પેકેજનું કદ વધારવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રોકડ તંગીનો સામનો કરી રહેલી વીજ વિતરણ કંપનીઓને માર્ચ, 2020 સુધીના બાકી દેવાની ચૂકવણી માટે મે મહિનામાં રૂ. 90 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. કોરોના મહામારીને રોકવા લાગુ કરાયેલા લોકડાઉનના લીધે વીજળીની માંગ અત્યંત ઘટી ગઇ હતી. અત્યાર સુધીમાં આ રાહત પેકેજ હેઠળ કંપનીઓને રૂ.68,000 કરોડની મંજૂરી અપાઇ અને તેમાંથી રૂ.25,000 કરોડ વિતરિત કરવામાં આવ્યા છે.
પીએચડીસીસીઆઇ દ્વારા રિન્યુએબલ એનર્જીમાં ઇનોવેશન પર યોજાયેલા વેબિનારને સંબોધિત કરતા વીજ સચિવ એસ.એન. સહાયે કહ્યુ કે, રોકડ રાહત પેકજ હેઠળ ડિસ્કોમના એપ્રિલથી જૂન સુધીના બાકી પેમેન્ટનો પણ સમાવેશ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ વિતરણ કંપનીઓ ઉપર 94,000 કરોડનું દેવુ વીજ વિતરણ કંપનીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરતી વખતે સરકારે કહ્યુ હતુ કે હાલ ડિસ્કોમ ઉપર કુલ બાકી દેવુ રૂ.94,000 કરોડનું છે. ત્યારબાદ રાજ્યોએ માંગણી કરી હતી કે આ રાહત પેકેજનું કદ વધારી તેમાં વિજ ઉત્પાદકો, વિતરણ કંપનીઓના એપ્રિલથી મે સુધીના બાકી દેવાનો પણ સમાવેશ કરવામાં આવે.
(સંકેત)