Site icon hindi.revoi.in

ગલવાનમાં થયેલું હિંસક ઘર્ષણ દુર્ભાગ્યપૂર્ણ: સૂન વેડૉન્ગ

Social Share

ગલવાન ઘાટીમાં LAC પર થયેલા હિંસક ઘર્ષણને બે મહિનાથી વધુ સમય થવા આવ્યો છે. આ ઘર્ષણ દરમિયાન 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હિંસક ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે અનેકવાર મંત્રણાઓ થઇ ચૂકી છે પરંતુ અત્યારસુધી તેનું કોઇ નિષ્કર્ષ સામે આવ્યું નથી. આ વચ્ચે હવે ગલવાન ઘાટીની ઘટના અંગે ચીનના રાજદૂત સૂન વેડૉન્ગનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેઓએ આ ઘટનાને ઇતિહાસના સંદર્ભથી સંક્ષિપ્ત ક્ષણ કહી છે.

ભારત-ચીન વચ્ચે યોજાયેલી યૂથ ફોરમ દરમિયાન ચીનના રાજદૂત સૂન વેડૉન્ગે આ વાત કરી હહતી. રાજદૂતની આ વાતોને ચીનના દૂતાવાસે પ્રકાશિત કરી છે. ભારત-ચીનના સંબંધો અંગે ચીનના રાજદૂતે કહ્યું હતું કે, બે ઉભરતા પાડોશીઓના રૂપમાં ચીન અને ભારતને વિચારધારાની લાઇનોની જૂની માનસિકતાને છોડી દેવી જોઇએ અને એકને લાભ બીજાને નુકસાનના જૂના દાવપેચથી છૂટકારો મેળવવો જોઇએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘણા દિવસ નથી થયા જ્યારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. જેને ન તો ચીન અને ન તો ભારત જોવાનું પસંદ કરશે. હવે અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, વિકાસના લક્ષ્યો પરિપૂર્ણ કરવા માટે બંને દેશોને એક શાંતિપૂર્ણ અને અનુકૂળ બહારનું વાતાવરણ જરૂરી છે. ચીન અને ભારત, બંને દેશોએ શાંતિપૂર્વક રહેવું જોઇએ અને સંઘર્ષને ટાળવો જોઇએ.

બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર ચીનના રાજદૂતે કહ્યું હતું કે, બે મોટી અર્થવ્યવસ્થાએ એક-બીજાને ચુંબકની જેમ આકર્ષિત કરવા જોઇએ. બળજબરીપૂર્વક અલગ કરવાના પ્રયાસથી દૂર રહેવું જોઇએ. આપણે આપણી સામાજીક વ્યવસ્થાઓનું સન્માન કરવું જોઇએ. ચીન અને ભારતની અલગ-અલગ સામાજિક પ્રણાલીઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, પરંતુ આપણા સૌનું લક્ષ્ય વિકાસના પંથે ચાલવાનું છે જે આપણી રાષ્ટ્રીય પરિસ્થિતિઓને અનુકૂળ હોય.

મહત્વનું છે કે, બંને દેશો વચ્ચે અનેકવાર મંત્રણાઓ બાદ પણ ચીન લદ્દાખના અનેક વિસ્તારોમાં હજુ પણ પોતાનું લશ્કર ખડકીને અતિક્રમણ કરી રહ્યું છે. ભારત પણ આ અતિક્રમણ સામે યુદ્વના ધોરણે સજ્જ છે જેથી ભૂતકાળમાં ગલવાન ઘાટીમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ના થાય.

(સંકેત)

Exit mobile version