Site icon hindi.revoi.in

આસામ: પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું નિધન, PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

Social Share

ગૌહાટી: આસામમાં પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઇનું 86 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. ગૌહાટી મેડિકલ કોલેજમાં સાંજે સાડા પાંચ કલાકે તેમનું નિધન થયું છે. અસમના સ્વાસ્થ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ જાણકારી આપી હતી. તરુણ ગોગોઇના નિધન પર પીએમ મોદી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, તરુણ ગોગોઇ જી એક અગ્રણી નેતા અને વરિષ્ઠ પ્રશાસક હતા. તેઓને કેન્દ્ર અને આસામમાં બહોળો રાજનીતિક અનુભવ હતો. તેમના નિધનથી દુ:ખ થયું છે. આ દુ:ખના સમયમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકોની સાથે છે. ઓમ શાંતિ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, આસામના પૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી નેતા તરુણ ગોગોઇના નિધનથી દુ:ખ થયું. તેમના આ દુ:ખદ નિધન બાદ ઇશ્વર તેમના પરિવારને શક્તિ આપે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે તરુણ ગોગાઈ સાચા કોંગ્રેસી નેતા હતા. તેમણે અસમમાં બધા લોકો અને સમુદાયને એક સાથે લાવવા માટે પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું. મારા માટે તે એક મહાન અને કુશળ શિક્ષક હતા. હું તેમને દિલથી પ્રેમ અને તેમનું સન્માન કરતો હતો. હું તેમને યાદ કરીશ. ગૌરવ અને પરિવારને મારો પ્રેમ અને સંવેદના.

86 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતાની દેખભાળ 9 ડોક્ટર્સની ટીમ કરી રહી હતી. તેમની હાલત ખૂબ જ નાજુક હતી અને તેઓ વેન્ટિલેટર પર હતાં. ગોગોઇના અંગોએ પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

નોંધનીય છે કે, તરુણ ગોગોઈ ત્રણ વખત અસમના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સિવાય તે 6 વખત લોકસભા સાંસદ પણ રહ્યા હતા. તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ વર્તમાનમાં કોંગ્રેસના સાંસદ છે.

(સંકેત)

Exit mobile version