Site icon Revoi.in

રાફેલ લડાકૂ વિમાનનું અંબાલા એરબેઝ ખાતે સુરક્ષિત લેન્ડિંગ

Social Share

ભારતીય વાયુસેનાની લાંબા સમયની પ્રતિક્ષા હવે પૂર્ણ થઇ છે. ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે લડાકૂ વિમાન રાફેલ ભારતને મળી ગયું છે. ફ્રાન્સ સાથે થયેલા સોદા મુજબ લડાકૂ વિમાન રાફેલની પહેલી ડિલીવરી હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે થઇ છે. આ 5 રાફેલ જેટને રિસીવ કરવા માટે એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયા અંબાલા એરબેઝ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષાના હિસાબથી અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

ફ્રાંસથી આવેલા પાંચ લડાકુ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થયા હતા. આ અંગેની જાણકારી દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ મારફતે આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે બર્ડ્સ અંબાલા ખાતે સુરક્ષિત રીતે લેન્ડ થઇ ગયા છે. રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય સેનામાં નવા યુગનો પ્રારંભ થયો છે. આ એરક્રાફ્ટ આવતા હવે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે UAEથી રાફેલે ઉડાન ભરી તો થોડીવાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો હતો. અરબ સાગર પરથી જ્યારે આ પ્લેન પસાર થયા તો INS કોલકાતાના કન્ટ્રોલ રૂપમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 INS કોલકાતા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે, ઇન્ડિયન નેવલ વૉર શિપ ડેલ્ટા 63 એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લેન્ડિંગ.’

મહત્વનું છે કે, રાફેલ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. પ્લેનની સાથે મેટેઅર મિસાઇલ પણ છે. પ્લેનમાં ફ્યૂઅલ ક્ષમતા 17,000 કિલોગ્રામ છે. રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.

(સંકેત)