Site icon hindi.revoi.in

‘સવાયા ગુજરાતી’નું સન્માન મેળવનારા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન

Social Share

નવી દિલ્હી: ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન એવા ‘સવાયા ગુજરાતી’ ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. વર્ષ 1925ના 4 નવેમ્બરના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મેલા ફાધર વાલેસે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. વર્ષ 1960 થી 1982 દરમિયાન તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક હતા.

ગુજરાતીમાં ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયું હતું

તેમણે જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ આપ્યા હતા. તેમણે ગુજરાતમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન અને યોગદાન માટે વર્ષ 1966માં કુમાર ચંદ્રક અને વર્ષ 1978માં રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજીત કરવામાં આવ્યા હતા. ફાધર વાલેસ નિવૃત્તિ બાદ સ્પેન રહેવા ચાલ્યા ગયા હતા. જો કે તેમ છત્તાં તેઓ વારંવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાત લેતા રહેતા.

તેમના જીવન વિશે

મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા હતા. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. સ્પેનમાં આંતરવિગ્રહ બાદ કાર્લોસ પોતાની માતા અને ભાઇની સાથે લોગ્રાનો છોડીને માતાની કાકીને ત્યાં રહેવા ગયા હતા. કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 15 વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ-ધર્મસેવક બની ગયા.

વર્ષ 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો.

ગુજરાતી ભાષામાં આ રીતે હથોટી મેળવી

પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. તેમણે સાવ સરળ ભાષામાં વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. તેમણે ગુજરાત યુનિવર્સિટી માટે ગણિતનાં કેટલાક મહત્વનાં પુસ્તકો વિદેશી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા.

ગુજરાતમાં 17 પુસ્તકો લખ્યા

ગુજરાતી ભાષામાં તેમણે 17 જેટલા પુસ્તકો લખ્યા હતા. જેમાંથી કેટલાંક તો બેસ્ટ સેલર રહ્યા હતા. તેમણે ગુજરાતીમાં ભારતમાં નવરાત્રિ, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, ગાંધી-હિંસાનો વિકલ્પ, હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરે જેવા પુસ્તકો સમાવિષ્ટ છે.

(સંકેત)

Exit mobile version