Site icon Revoi.in

આ વર્ષે સારા વરસાદથી દેશમાં રેકોર્ડબ્રેક પાકનું ઉત્પાદન થશે

Social Share

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. ભારત માટે અતિ ફાયદાકારક ગણાતું દક્ષિણ-પશ્વિમ ચોમાસું ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. આ જ કારણોસર આ વર્ષે દેશમાં વિપુલ પ્રમાણમાં પાકનું ઉત્પાદન થશે અને ઉનાળા દરમિયાન પાણીની અછત નહીં સર્જાય તેવી આશા જન્મી છે. દેશમાં અત્યારસુધી ચાર રાજ્યને બાદ કરતા અન્ય તમામ ભાગમાં સામાન્યથી 18 ટકા વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી હતી.

ભારતમાં વરસાદની વાત કરીએ તો કેરળ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં ઓછો વરસાદ પડ્યો છે. અત્યારસુધી 88 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઇ છે. કોરોનાને કારણે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી કિંમતે મજૂરો ઉપલબ્ધ હોવાથી ખેતીમાં ખૂબ મદદ મળશે. આ જ કારણોસર દેશમાં ખેતીલાયક વિસ્તાર વધે તેવી પણ શક્યતા છે.

આ વખતે વરસાદ સમયસર થવાથી, ટેકાના ભાવમાં વધારો, કોરોનાને કારણે લાખોની સંખ્યામાં મજૂરો વતન પરત ફર્યા હોવાથી દેશમાં લોકો ફરીથી ખેતી તરફ વળશે. ભારતમાં આ વર્ષે વાવણીલાયક વરસાદ થવાથી ચોખાનું ઉત્પાદન 20 લાખ હેક્ટર્સ વધવાની સંભાવના છે. ભારત ચોખાની નિકાસ કરતો મોટો દેશ બનશે.

સમગ્ર ભારતમાં વાવેતરની દૃષ્ટિએ વાત કરીએ તો 36.82 લાખ હેક્ટર્સ જમીન પર કઠોળનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 9.46 લાખ હેક્ટર્સ હતું. બાજરી/જુવારનું વાવેતર આ વર્ષે 70.69 લાખ હેક્ટર્સમાં થયું છે, જે ગત વર્ષે 35.20 લાખ હેકક્ટર્સ હતું. તેલિબિયાનું વાવેતર 109.20 લાખ હેક્ટર્સ જમીન પર થયું છે, જે ગત વર્ષે 50.62 લાખ હેક્ટર્સ હતું. આ વર્ષે કપાસનું વાવેતર 91.67 લાખ હેક્ટર્સ જમીન પર થયું છે, જે ગત વર્ષે 45.85 લાખ હેક્ટર્સ હતું.

આ વર્ષે અત્યારસુધીમાં જમ્મૂ કાશ્મીર, ગુજરાત, તેલંગાણા, બિહાર, આસામ, મેઘાલય અને તામિલનાડુમાં ગત વર્ષની સરખામણીમાં 1 થી લઇને 60 ટકા સુધી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ. ઝારખંડ, ઓડિશા, ત્રિપુરામાં 19 ટકા વધારે કે ઓછો વરસાદ પડ્યો છે. વરસાદ પડવાની સાથોસાથ જો ખેડૂતો પોતાના પાકને જીવજંતુઓના ઉપદ્રવથી બચાવી શકશે તો દેશમાં ખેત પેદાશોનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાની સંભાવના છે.

(સંકેત)