- દેશભરના રેલવે સ્ટેશનને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારનો નિર્ણય
- હવે દેશભરના રેલવે સ્ટેશન્સ પર પ્લાસ્ટિકને બદલે કુલ્હડમાં ચા વેચાશે
- સરકારની આ પહેલથી મોટા પાયે રોજગારીનું પણ સર્જન થશે
નવી દિલ્હી: દેશભરના રેલવે સ્ટેશન્સને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારે એક મહત્વની પહેલ કરી છે અને રસપ્રદ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે રેલવે સ્ટેશન્સ પરના ટી સ્ટોલ પરથી પ્લાસ્ટિક કપ ગાયબ થશે અને માટીની કુલ્હડમાં ચાનું વેચાણ ફરજીયાત કરવામાં આવશે. જો કે આપને જણાવી દઇએ કે પ્લાસ્ટિકના કપમાં ચાના ચલણ પહેલા આ દેશી અંદાજમાં જ દેશભરમાં ચા વેચાતી હતી.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આગામી સમયમાં દેશમાં દરેક રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક મુક્ત કુલ્હડમાં જ ચા મળશે. તેમણે આપેલી જાણકારી અનુસાર દેશમાં આજે આશરે 400 રેલવે સ્ટેશન પર કુલ્હડમાં જ ચા વેચાઇ રહી છે અને ભવિષ્યમાં સરકાર યોજના બનાવી રહી છે કે, દેશના તમામ રેલવે સ્ટેશન્સ પર માત્ર કુલ્હડમાં જ ચા વેચાય. સરકારનો આ નિર્ણય દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઝુંબેશમાં ફાળો આપશે.
સરકારના આ નિર્ણય અને પહેલથી રોજગારીનું સર્જન થતા લાખો ભાઇ-બહેનોને રોજગારી મળશે.
નોંધનીય છે કે, તેમણે આ અંગેની જાહેરાત રાજસ્થાનના અલવરમાં ઢિગાવાડા રેલવે સ્ટેશન પર ઢિગાવાડા-બાંદીકુઇ રેલવે લાઇનને વિદ્યુતીકરણ રેલમાર્ગ લોકાર્પણ સમારોહ દરમિયાન કરી હતી. આપને જણાવી દઇએ કે વર્ષ 2009-14 દરમિયાન રાજસ્થાનમાં રેલવેનું વિદ્યુતીકરણની યોજના બની ન હતી અને વર્ષ 2014 પછી 1433 કિમી લાંબી રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થઇ ચૂક્યું છે.
(સંકેત)