
- રૉબર્ટ વાડ્રાની જામીન અરજી ફગાવવા પર થઇ સુનાવણી
- વાડ્રાની કસ્ટડીમાં પૂછપરછ કરવા માંગે છે: ED
રૉબર્ટ વાડ્રાના જામીનને નામંજૂર કરવા માટે ઇડીએ દાખલ કરેલી અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આ દરમિયાન ઇડીએ રૉબર્ટ વાડ્રાના જામીન ફગાવવાનું કહ્યું હતું. ઇડી વાડ્રાના કસ્ટોડિયલ ઇંટ્રોગેશન ઇચ્છતી હોવાથી જામીન અરજી ફગાવવાની માંગ કરી હતી.
ઇડીએ આ વાત કોર્ટમાં સુનાવણી દરમિયાન એ સમયે બતાવી જ્યારે ન્યાયાધીશે પૂછ્યું કે શું મની લોન્ડરિંગ કેસમાં રૉબર્ટ વાડ્રાની ધરપકડ કરાઇ છે.? ઇડીએ કહ્યું કે આ મામલાની તપાસ દરમિયાન અને ત્યારબાદ કોર્ટમાં સુનાવણી પછી 1 એપ્રિલે પટિયાલા હાઉસ કોર્ટે રૉબર્ટ વાડ્રાને આગોતરા જામીન આપ્યા હતા જો કે જામીન આપ્યા બાદ પણ તેઓ તપાસમાં સહયોગ આપતા નથી. તેમને મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે અનેક વાર ઇડીએ બોલાવ્યા છે.
ઇડીએ આજની સુનાવણીમાં હાઇકોર્ટને કહ્યું હતું કે તેઓ રૉબર્ટ વાડ્રાના જામીનને એ માટે જ નામંજૂર કરાવવા માટે કોર્ટમાં આવ્યા છે, કારણ કે નીચલી અદાલતે જામીન દેવા સમયે એ વાતને પૂરી રીતે નજરઅંદાજ કરી કે પૈસાની જે લેવડદેવડ થઇ તેમાં રૉબર્ટ વાડ્રાની પણ સંડોવણી હતી. રૉબર્ટ વાડ્રા પર આરોપ છે કે તેમણે વિદેશમાં તેના કથિત મિત્ર સંજય ભંડારીના માધ્યમથી વિદેશોમાં કાળા નાણાંથી પ્રૉપર્ટી ખરીદી.
રૉબર્ટ વાડ્રાના વકીલે કહ્યું હતું કે સંજય ભંડારી દ્વારા ખરીદાયેલી પ્રોપર્ટીથી રૉબર્ટ વાડ્રાને કોઇ લેવાદેવા નથી. વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, કારણ કે આજે બીજા રાજ્યોમાં પણ રૉબર્ટ વાડ્રાના મની લોન્ડરિગંથી જોડાયેલા મામલાઓમાં સુનાવણી હતી અને વાડ્રાના મુખ્ય વકીલ કેટીએસ તુલસી દિલ્હીમાં ગેરહાજર હતા.
કોર્ટે ઇડીના તર્ક સાંભળ્યા બાદ અને વાડ્રા તરફથી સમય મંગાયા બાદ આગામી સુનાવણી 5 નવેમ્બર સુધી ટાળી છે. તેથી જો હવે આગામી સુનાવણીમાં હાઇકોર્ટ વાડ્રાને મળેલા આગોતરા જામીન નામંજૂર કરે છે તો ઇડી તેની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરી શકશે.