
કોરોનાને કારણે હવે NEET અને JEEની પરીક્ષા આ મહિનામાં લેવાશે, જાણો તારીખ
- કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષાની તારીખ લંબાવવા કરી હતી માંગ
- હવે મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવશે
- એચઆરડી મંત્રાલયના રમેશ પોખરિયાલ પરીક્ષાઓની તારીખની કરી જાહેરાત
કોરોના વાયરસની મહામારીને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ના મૂકાય તે માટે હવે મેડિકલ અને એન્જિનિયરિંગ માટેની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા નીટ અને જેઇઇની તારીખોને લંબાવાઇ છે. હવે આ પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનામાં લેવાશે.
કોરોના મહામારીને કારણે સંક્રમણનું જોખમ રહેલું હોવાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા સતત પરીક્ષાની તારીખ લંબાવવાની માંગણી કરાઇ રહી હતી જેને ધ્યાનમાં રાખીને સરકારે હવે સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
પરીક્ષાની તારીખ વિશે માહિતી આપતા એચઆરડી મંત્રાલયના રમેશ પોખરિયાલ નિહાંકે જણાવ્યું હતું કે મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ નેશનલ એલિજિબિલિટી-કમ એન્ટ્રાન્સ ટેસ્ટ (NEET) હવે 13મી સપ્ટેમ્બરના રોજ યોજાશે, જ્યારે જેઇઇ મેઇન્સ (JEE) 1 થી 6 સપ્ટેમ્બર અને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 27મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.
આ પહેલા નીટ 26મી જુલાઇના રોજ યોજાવાની હતી. જ્યારે જેઇઇ મેઇન્સની તારીખ 18-23 જુલાઇ વચ્ચેની હતી. જેઇઇ એડવાન્સ 23મી ઓગસ્ટના રોજ યોજાવાની હતી.
જેઇઇ મેઇન્સ માટે આશરે નવ લાખ, નીટ અન્ડરગ્રેજ્યુએટ પરીક્ષા માટે 16 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. આટલી મોટી સંખ્યામાં લોકો પરીક્ષા આપવાના હોવાથી તારીખ લંબાવવામાં આવી છે.
(સંકેત)