- કોરોના વેક્સીનને લઇને સારા સમાચાર
- કોરોનાની 1 વેક્સીન 20 જાન્યુઆરી 2020 સુધીમાં મળવાની સંભાવના
- પુના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદર પુનાવાલાએ આ આશાવાદ કર્યો વ્યક્ત
પુના: કોરોના વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. પુના સ્થિત ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું કે કોરોનાની એક વેક્સીન 20 જાન્યુઆરી સુધીમાં દેશમાં મળતી થઇ જશે એવી સંભાવના છે. વેક્સીન સસ્તી હશે, પરંતુ તેના માટે સમયસર નિયમનકારી મંજૂરીઓ મળવી જરૂરી છે.
પુનાવાલાએ જણાવ્યું હતું કે ભારત અને બ્રિટનમાં ટેસ્ટિંગની સફળતાને આધારે જો નિયામક નિકાસને સમયસર મંજૂરી મળે તો અમે દેશમાં જાન્યુઆરી 2021 સુદી વેક્સીન ઉપલબ્ધ કરાવવાની આશા રાખીએ છીએ. લોકો કોઇ પ્રકારની ચિંતા વગર આનો ઉપયોગ કરી શકશે. વેક્સીનના લાંબા ગાળાના પ્રભાવો જાણવા માટે બે ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.
વેક્સીનના ભાવો અંગે પુનાવાલાએ કહ્યું હતું કે કંપની સરકાર સાથે વાતચીત કરી રહી છે. તેઓએ ખાતરી આપી છે કે તેને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમને ખાતરી છે કે તે દરેકને પરવડે તેમ હશે. SIIનું લક્ષ્યાંક 6-7 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનું છે અને તેને દર મહિને રસીના 100 મિલિયન ડોઝ સુધી વધારવાનું છે. કંપનીએ ભારત અને અન્ય દેશો માટે વેક્સીનના નિર્માણ અને વિતરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ગાવી, વેક્સીન એલાયન્સ અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે.
નોંધપાત્ર છે કે સીરમ સંભવિત કોરોના વેક્સીન કોવિશીલ્ડનું ઉત્પાદન કરવા માટે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને કામ કરી રહ્યું છે. કોવિશીલ્ડ હાલ દેશમાં બીજા અને ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં છે. નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે એસઆઇઆઇ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવશે.
(સંકેત)