- કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે એક પોઝિટિવ સમાચાર
- દેશમાં પોઝિટિવિટી રેટમાં 3 સપ્તાહ દરમિયાન ઘટાડો થયો
- દેશમાં પોઝિટિવિટી રેટ ઘટીને 6.8 ટકાએ પહોંચ્યો
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે એક પોઝિટિવ સમાચાર છે. દેશમાં પાછલા 3 સપ્તાહ દરમિયાન પોઝિટિવિટી રેટમાં ઘટાડો થયો છે. જે ઘટીને 6.8 ટકા પર પહોંચ્યો છે. ભારતમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટાડવા તેમજ કોરોનાને અંકુશમાં લાવવા માટે ટેસ્ટની સંખ્યા વધારવા માટે સરકાર પ્રયાસરત છે.
આ અંગે માહિતી આપતા હેલ્થ સેક્રેટરી રાજેશ ભુષણે જણાવ્યું કે, ભારતમાં 8 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અંદાજે 80 લાખ ટેસ્ટ પાછલા સપ્તાહમાં કરવામાં આવ્યા છે. નવા કેસ કરતા સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે જેના કારણે એક્ટિવ કેસની ટકાવારીમાં ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં નવા કેસોને અટકાવી શકાય તે માટે ટેસ્ટમાં સતત વધારો કરાઇ રહ્યો છે.
પાછલા કેટલાક દિવસથી અને 6 ઓક્ટોબરના રોજ ભારતમાં કન્ફર્મ કેસમાં 0.9%નો ઘટાડો થઈ રહ્યો છે. આવામાં જે રાજ્યોમાં કેસની સંખ્યા વધુ છે ત્યાં પણ ગ્રોથ રેટમાં ઘટાડો થઈ રહ્યો છે, આવામાં મહારાષ્ટ્રમાં 0.7%, જ્યારે આંધ્રપ્રદેશમાં 0.9% સાથે સામાન્ય ઘટાડો થયો છે, આ તરફ કર્ણાટકામાં 1,1%, તામિલનાડુમાં 0.9% અને ઉત્તરપ્રદેશમાં 0.7% ઘટાડો નોંધાયો છે.
ભારતમાં 6 ઓક્ટોબરના રોજ એક્ટિવ કેસનો આંકડો 9,19,023 પર પહોંચ્યો છે, જેમાંથી 2,32,721 કેસ એકલા મહારાષ્ટ્રમાં છે, આ તરફ આંધ્રપ્રદેશમાં 51,060, કર્ણાટકમાં 51,496, તામિલનાડુમાં 45,881, ઉત્તરપ્રદેશમાં 23,024, દિલ્હીમાં 23,080 અને પશ્ચિમ બંગાળમાં 27,717 થયા છે. જ્યારે કેરળમાં કેસ વધીને 84,958 પર પહોંચ્યા છે. જ્યારે 61,267 નવા કેસ નોંધાયા છે, 10 રાજ્યોના એક્ટિવ કેસની ટકાવારી 70% છે.
નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2થી 8 તારીખ દરમિયાન પોઝિટિવિટી રેટ 8.3% હતો, જ્યારે 16-22 સપ્ટેમ્બર દરમિયાન તે વધીને 9.2% થયું અને પાછલા 3 અઠવાડિયા દરમિયાન પોઝિટિવિટી રેટ ઘટ્યો છે, ઘટીને 6.8% પર પહોંચ્યો છે.
(સંકેત)