Site icon Revoi.in

નવેમ્બર મહિનામાં દેશમાં કોરોનાના કેસમાં 32 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: કોરોના સંક્રમણને લઇને એક સકારાત્મક સમાચાર મળ્યા છે. દેશમાં નવેમ્બર દરમિયાન કોરોના કેસમાં 32 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર લાખોની સંખ્યામાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દૈનિક નોંધાતા કેસનો આંકડો 50,000થી નીચે રહ્યો છે. 21 નવેમ્બરથી રોજના 10 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ઊંચી હોવા છત્તાં દેશમાં નવા કેસ કાબૂમાં આવ્યા છે. નવેમ્બર મહિના દરમિયાન ભારતમાં પાછલા મહિનાની સરખામણીમાં 32 ટકા કેસમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં દિવાળીના તહેવારની શરૂઆતમાં અને દિવાળી દરમિયાન કોરોના કેસમાં ઉછાળો નોંધાયા બાદ ફરી સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી રહી છે.

વિશ્વમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર નજર કરીએ તો નવેમ્બર મહિના દરમિયાન અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ હતી અને બીજા નંબર પર ભારત છે. ગત મહિનામાં ભારતમાં 12.8 લાખ કેસ નોંધાયા છે, જ્યારે અમેરિકામાં સૌથી વધુ 44.8 લાખ કેસ નોંધાયા છે. આ કોરોના વાયરસની મહામારી આવ્યા પછી કોઇપણ દેશમાં 1 મહિનામાં નોંધાયેલા કેસમાં સૌથી વધારે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના જણાવ્યા અનુસાર અત્યારસુધીમાં 14 કરોડ 13 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 11 નવેમ્બરે દેશમાં પોઝિટિવિટી રેટ 7.15 ટકા હતો જ્યારે 1 ડિસેમ્બરે તે ઘટીને 6.69 ટકા પર પહોંચ્યો છે. ભારતમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 4.35 લાખ થઇ ગયો છે. જ્યારે ભારતમાં કુલ કેસનો આંકડો 94,62,810 થઇ ગયો છે.

નોંધનીય છે કે દિવાળી દરમિયાન ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવ્યા બાદ તેમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યમાં કેસમાં ઉછાળો આવ્યા બાદ નાઇટ કર્ફ્યૂ અમલી કરાયો હતો. જેથી રાત્રે બહાર નીકળતા લોકોને ટાળી શકાય અને કોરોના સંક્રમણને કાબુમાં લાવી શકાય.

(સંકેત)