- દેશમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે એક રિપોર્ટમાં દાવો
- ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાય છે
- કેન્દ્રીય સ્વાસથ્ય મંત્રીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે વધુ એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી શકે છે. આ રિપોર્ટ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન એ પણ ચિંતા વ્યક્ત કરી છે.
એક સોશિયલ મીડિયા કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે SARS Coc 2 એક રેસ્પિરેટ્રી વાયરસ છે અને તે ઠંડા વાતાવરણમાં વધી શકે છે. તેમણે યુરોપિયન દેશોનો દાખલો આપ્યો હતો કે બ્રિટન એવો દેશ છે જ્યાં ઠંડા વાતાવરણમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો હતો. તેમણે ચેતવણી આપી હતી કે તહેવારો દરમિયાન બેદરકારી રખાય તો કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી જ તહેવારોમાં સોશિયલ ડિસન્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય બની રહેશે.
કોરોના વેક્સીન અંગે તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી વર્ષના જુલાઇ માસ સુધીમાં વેક્સીન આવી શકે છે. હાલમાં જ્યારે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે લોકો ખાસ કરીને માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, વારંવાર હાથ સ્વચ્છ રાખે તે ખૂબજ આવશ્યક છે. આ રીતે જ આપણે કોરોના સંક્રમણ સામેની લડાઇમાં જીત હાંસલ કરી શકીએ છીએ.
(સંકેત)