
દર્દીના ફેંફસા ઉપરાંત મગજ, કિડની અને હૃદય પર વાયરસ કરે છે હુમલો: AIIMS ડાયરેક્ટર
- કોરોના ફેંફસા ઉપરાંત મગજ, કિડની, હૃદય પર પણ કરે છે હુમલો
- દર્દીઓને સાજા થયા બાદ પણ ઘરે ઓક્સિજનની રહે છે જરૂર
- એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કર્યો ખુલાસો
કોરોના વાયરસની મહામારી ખૂબ જ ઝડપથી દેશમાં ફેલાઇ રહી છે અને કેસની સંખ્યા પણ વ્યાપકપણે વધી રહી છે. આ બિમારી હવે નવું સ્વરૂપ ધારણ કરી રહી છે. હવે આ વાયરસ કોઇ દર્દીના ખાલી ફેંફસા પર જ હુમલો નથી કરતો પરંતુ મગજ, કિડની અને હૃદય પર પણ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
કોરોના વાયરસ વિશે વધુ જાણકારી આપતા ડૉ.ગુલેરિયાએ કહ્યું હતું કે આ બિમારી સિસ્ટમેટિક ડિસીઝ કહેવાય છે. જે એક સાથે શરીરના અનેક અંગો પર હુમલો કરે છે. જે દર્દી કોરોનાથી સંક્રમિત હોય તે સાજા થયા બાદ પણ તેને ફેંફસા નબળા પડી ગયા હોવાથી તેને વધુ મુશ્કેલી પડે છે. સ્થિતિ એવી પણ સર્જાય છે કે કેટલાક મહિનાઓ પછી આ દર્દીઓને ઘરે ઓક્સિજનની જરૂર પડે છે.
પહેલા આ વાયરસ માત્ર નિમોનિયા છે તેવું લાગતું હતું પરંતુ બાદ જોયું કે દર્દીઓનું લોહી જામી રહ્યું છે. આ કારણે ફેંફસા અને હૃદય બંધ પડવા લાગ્યા અને લોકો મૃત્યુ પામવા લાગ્યા.
તે ફેંફસા સિવાય મગજ પર પણ આક્રમણ કરે છે જેને કારણે ન્યૂરોલોજીકલ મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. પ્રારંભમાં અમે વિચાર્યું કે આ મોટો મુદ્દો નથી પરંતુ હવે આ એક ગંભીર સમસ્યામાં ફેરવાઇ ચૂકી છે.
દર્દીઓ સાજા થયા બાદ પણ તેઓને ફેંફસાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓક્સિજનની જરૂર રહે છે. કેટલાક સપ્તાહ સુધી નબળાઇ પણ રહે છે. કેટલાક દર્દીઓમાં ન્યૂરોલોજીકલ મુશ્કેલીઓ પણ જોવા મળે છે.
નોંધનીય છે કે દેશમાં અનલોક 1 દરમિયાન કેસોની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળ્યો હતો અને હવે અનલોક 2 દરમિયાન પણ છૂટછાટ અપાતા કેસ વધી રહ્યા છે. કેસોની વધતી સંખ્યાને જોતા અનેક રાજ્યોએ ફરી લોકડાઉન લાગૂ કર્યું છે.
(સંકેત)