Site icon hindi.revoi.in

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ, મંદિરના સ્તંભ 1000 વર્ષની મજબૂતાઇ ધરાવતા હશે

Social Share

અનેક સદીઓની પ્રતિક્ષા અને ધૈર્ય બાદ હવે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. શુક્રવારે 3 વાગ્યે ભારે ભરખમ ડ્રિલિંગ મશીને મંદિરના પહેલા સ્તંભ માટે ડ્રિલિંગ શરૂ કરી દીધું. આ પહેલાં ભૂમિગત સ્તંભનો 1 મહિનામાં ટેસ્ટ થશે. 5 એકરમાં મંદિરના પાયા માટે જમીનની અંદર 1 મીટર વ્યાસના 100 થી 150 ફૂટના 1200 સ્તંભ બનાવાશે, જે તમામ કોંક્રિટના હશે. આ તમામ સ્તંભ 1 હજાર વર્ષની મજબૂતાઇ ધરાવાતા બનાવાશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર,  તેમની ઉપર મંદિરનું 19 ફૂટ ઊંચું કોંક્રીટનું પ્લેટફોર્મ તૈયાર થશે, જેના પર 161 ફૂટ ઊંચું, 5 શિખરવાળું શ્રીરામ મંદિર બનશે. ડ્રિલિંગ શરૂ કરતા પહેલાં એન્જિનિયરો અને શ્રમિકોએ જન્મભૂમિ પર ભગવાન વિશ્વકર્માની પૂજા કરી, જેથી મશીનો અને ઉપકરણો કોઇ અવરોધ વિના કામ કરી શકે. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, શ્રીરામ મંદિરના વાસ્તુકાર આશિષ સોમપુરા પણ હાજર હતા.

મંદિરના નિર્માણ કાર્ય અંગે વાત કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે મશીનથી જમીનમાં 1 મીટર વ્યાસના 100 ફૂટ ઊંડા કૂવામાં કોંક્રિટનું મિશ્રણ નખાશે. પહેલા સ્તંભનું નિર્માણ પ્રાયોગિક ધોરણે થશે. 1 મહિના બાદ તેના કોક્રિંટનું તાકાતનું પરીક્ષણ થશે. આવશ્યકતા લાગે તો કોંક્રિટની મજબૂતાઇ અને આયુષ્ય વધારવા આઇઆઇટી-ચેન્નઇના નિષ્ણાતોનો ફરી અભિપ્રાય લેવાશે. સ્તંભ માટે ઉપયોગમાં લેવાનારી સામગ્રીના માપદંડ અને રેશિયો આઇઆઇટી-ચેન્નઇની રિસર્ચ ટીમે નક્કી કર્યા છે.

નોંધનીય છે કે, મંદિર નિર્માણ માટે 1,200 કૂવા ખોદાશે, જે માટે 3-4 રિંગ મશીન ઉપયોગમાં લેવાશે. પહેલા મશીને કામ શરૂ કરી દીધું છે. રામ જન્મભૂમિની નીચે અંદાજે 55 ફૂટની ઊંડાઇએ જળસપાટી છે. તેથી નદીઓમાં પુલના થાંભલા ઊભા કરાય છે તે રીતે સ્તંભ ઊભા કરાશે. સ્તંભ જેટલા પાણીની અંદર રહેશે તેટલું મજબૂત રહેશે.

(સંકેત)

Exit mobile version