– જમ્મૂ કાશ્મીરના શ્રીનગર સેકટરમાં પ્રથમવાર CRPFની કમાન મહિલા પોલીસ ઓફિસરને સોંપાઇ
– ચારુ સિન્હાને અહીંયા ઇન્સપેક્ટર જનરલના પદ પર નિયુક્ત કરાયા છે
– તેઓ તેલંગાણા કેડરના વર્ષ 1996 બેચના આઇપીએસ અધિકારી છે
જમ્મૂ-કાશ્મીરના શ્રીનગર સેક્ટરમાં પ્રથમવાર CRPFની કમાન મહિલા પોલીસ ઓફિસરને સોંપવામાં આવી છે. ચારુ સિન્હાને અહીંયા ઇન્સપેક્ટર જનરલના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. પહેલા તેઓ આ પદ પર જમ્મૂ સીઆરપીએફમાં તહેનાત હતા.
તેલંગાણા કેડરના IPS અધિકારી
ચારુ સિન્હા વર્ષ 1996 બેચના તેલંગાણા કેડરના આઇપીએસ અધિકારી છે. આ પહેલા પણ તેઓ બિહાર સેક્ટર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં CRPF IG તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે આ જવાબદારી એપ્રિલ 1918માં સંભાળી હતી. અહીંયા તેમને નક્સલવાદની સમસ્યાનો સામનો કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેઓએ અનેક પ્રકારના પડકારોને સફળતાપૂર્વક ઝીલ્યા છે.
નક્સલીઓ સામે અનેક ઓપરેશનની કમાન સંભાળી
બિહારમાં જ્યારે તેઓ કાર્યરત હતા ત્યારે તેમની આગેવાનીમાં નક્સલીઓ સામે ઘણાં ઓપરેશન્સ ચલાવવામાં આવ્યા હતા. ત્યારપછી આઇજી તરીકે તેમની ટ્રાન્સફર જમ્મૂ સીઆરપીએફમાં કરવામાં આવી હતી. અહીં તેમણે લાંબો અને સફળ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. હવે તેમની ટ્રાન્સફર શ્રીનગર કરવામાં આવી છે.
શ્રીનગર સેકટરમાં CRPF આતંકીઓ સામે સેના અને જમ્મૂ કાશ્મીર પોલીસ સાથે મળીને કામ કરતી હોય છે. શ્રીનગર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ક્યારેય મહિલા ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી નથી. હવે સિન્હા આ વિસ્તારમાં પ્રથમવાર મહિલા ઓફિસર તરીકે દરેક ઓપરેશન્સની આગેવાની કરશે.
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના ત્રણ મોટા જિલ્લા બડગામ, ગાંદરબલ અને શ્રીનગર છે. તેમાં 2 રેન્જ, 22 એક્ઝીક્યુટિવ યુનિટ અને ત્રણ મહિલા કંપનીઓ છે. આ સિવાય શ્રીનગર સેક્ટરનો, ગ્રૂપ સેન્ટર શ્રીનગર પર પ્રશાસનિક કંટ્રોલ પણ છે.
(સંકેત)