Site icon hindi.revoi.in

બાબરી ધ્વંસ કેસનો ચુકાદો 30 સપ્ટેમ્બરે, અડવાણી, ઉમા સહિતના આરોપીઓને હાજર રહેવા ફરમાન

Social Share

બાબરી ધ્વંસ મુદ્દે લખનઉની વિશેષ સીબીઆઇ કોર્ટ 30 સપ્ટેમ્બરના ચુકાદો જાહેર કરશે. વિશેષ કોર્ટના ન્યાયાધીશ સુરેન્દ્ર કુમાર યાદવે બુધવારે ચકચારી બાબરી કેસના ચુકાદાની તારીખની જાહેરાત કરી છે. આ કેસમાં ચાલુ મહિને તમામ 32 આરોપીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી. ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિતના વરિષ્ઠ નેતાઓનો પક્ષ વકીલ મિશ્રા રાખી રહ્યા છે. ન્યાયાધીશ એસ કે યાદવે અડવાણી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિતના તમામ આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.

આપને જણાવી દઇએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે બાબરી ધ્વંસ કેસમાં ચુકાદા માટે એક મહિનાનું એક્સટેંશન આપ્યું હતું. 31 ઑગસ્ટના ચુકાદાની ડેડલાઇન પૂર્ણ થઇ ગઇ હોવાથી સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધી સમય મર્યાદા વધારી હતી. આ કેસ અતિ સંવેદનશીલ છે જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સંડોવાયા હતા. કેસના ચુકાદામાં અનેક ડેડલાઇન જાહેર કરાઇ હોવા છત્તાં તે લંબાઇ રહ્યો હતો.

CBIના વકીલ લલિત સિંહે જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બરના રોજ તમામ પક્ષકારોની દલીલો કોર્ટમાં પૂર્ણ થઇ ગઇ હતી અને ત્યારબાદ વિશેષ જજે ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જીદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. સીબીઆઇએ આ કેસમાં 351 સાક્ષીઓ અને 600 ડોક્યુમેન્ટરી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.

(સંકેત)

Exit mobile version