Site icon hindi.revoi.in

મધ્યપ્રદેશ: ચાઇનીઝ કે અન્ય વિદેશી ફટાકડાના વેચાણ-ઉપયોગ પર પ્રતિબંધ, પકડાશે તો 2 વર્ષની જેલ

Social Share

ભોપાલ: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. શિવરાજ  સરકારે રાજ્યમાં ચાઇનીઝ અને અન્ય વિદેશી ફટાકડાના સંગ્રહ, ટ્રાન્સપોર્ટ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. મધ્યપ્રદેશ સરકાર અનુસાર ચાઇનીઝ અને અન્ય વિદેશી ફટાકડાની આયાત લાઇસન્સ વિના કરવી સંપૂર્ણ પ્રતિબંધિત છે. તે ઉપરાંત ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ તરફથી ચાઇનીઝ કે વિદેશી ફટાકડાની આયાત માટે કોઇ લાઇસન્સ પણ આપવામાં નથી આવ્યા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર મધ્ય પ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.રાજેશ રાજોરીએ બધા જીલ્લા અધિકારીઓ અને સુપ્રીડન્ટન્ટ ઑફ પોલીસને આ સંબંધમાં નિર્દેશ આપ્યા છે. અધિકારીઓને કહેવાયું છે કે, ચાઇનીઝ અને અન્ય વિદેશી ફટાકડાનો સંગ્રહ, પરિવહન અને વેચાણ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. નિર્દેશ મુજબ એવું કરવું સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9-બી (1) (બી) માં આ પ્રકારના ગેરકાયદેસરના ફટાકડાનો સંગ્રહ, વિતરણ, વેચાણ કે ઉપયોગ કરવા પર બે વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ફટાકડા પર દેવી-દેવતાઓના ફોટાનો ઉપયોગ નહીં કરી શકાય. જો કે એવું કરવાની લોકોને અપીલ કરાઇ છે પણ પ્રતિબંધ નથી મૂકાયો.

મહત્વનું છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંત્રાલયમાં રાજ્યના કાયદો-વ્યવસ્થાના સંબંધમાં ઉચ્ચ સ્તરીય મીટિંગ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ચાઇનીઝ ફટાકડા વેચવા અને તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. એવું કરવા પર એક્સપ્લોઝિવ એક્ટની સંબંધિત કલમો અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(સંકેત)

Exit mobile version